Veraval,તા.20
વિશ્વના આદ્ય જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં દીપાવલીના શુભ પર્વ નિમિત્તે ભક્તોની વિશાળ મેદની ઉમટી પડી હતી. આ પવિત્ર અવસરે સોમનાથ દાદાની ભવ્ય મહા આરતી અને વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિરમાં વહેલી સવારથી જ શિવભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. સમગ્ર મંદિર પરિસર ‘બમ બમ ભોલે’, ‘જય સોમનાથ’ અને ‘હર હર મહાદેવ’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું, જેનાથી વાતાવરણ સંપૂર્ણપણે ભક્તિમય બની ગયું હતું.
દીપાવલીના આ માંગલિક પર્વે, ભક્તોએ વિશ્વના કલ્યાણ અને સૌના મંગલમયી જીવનની કામના સાથે સોમનાથ દાદા સમક્ષ પ્રાર્થના કરી હતી. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા અને સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી, જેથી શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શન અને પૂજાનો લાભ લઈ શકે.