New Delhi,તા.૨૦
ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં ભારતને ૭ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. વિરાટ કોહલી, રોહિત શર્મા અને શુભમન ગિલ સહિત ટીમ ઇન્ડિયાના ટોચના ક્રમના બેટ્સમેન સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયા હતા. રોહિત અને વિરાટ ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં બેવડા આંકડા સુધી પહોંચી શક્યા ન હતા. દરમિયાન, પહેલી મેચ હાર્યા બાદ, ટીમ ઇન્ડિયાના કેપ્ટન ગિલે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સમજાવ્યું કે આ મેચમાં ભારતીય ટીમ ક્યાં ભૂલ કરી અને શા માટે તેમને હારનો સામનો કરવો પડ્યો. જોકે મેચ હાર્યા પછી પણ ગિલ હસતો જોવા મળ્યો હતો.
મેચ પછીના પ્રેઝન્ટેશન સમારોહમાં, ગિલે કહ્યું કે જ્યારે તમે પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવો છો, ત્યારે પાછા આવવું સરળ નથી. જ્યારે વરસાદને કારણે મેચ બંધ થઈ જાય છે અને તમને ખરાબ શરૂઆત મળે છે, ત્યારે તમે હંમેશા પાછા આવવા માંગો છો. અમે આ મેચમાંથી ઘણું શીખ્યા અને કેટલાક સકારાત્મક પાસાં પણ લીધા. અમે ૧૩૦ રનનો બચાવ કરી રહ્યા હતા અને મેચને અંત સુધી લઈ જઈ શક્યા નહીં, પરંતુ અમે તેને ચોક્કસ હદ સુધી પાછી ખેંચવામાં સફળ રહ્યા. અમે તેનાથી ખૂબ સંતુષ્ટ હતા.
નોંધનીય છે કે આ શ્રેણી પહેલા, શુભમન ગિલને ટીમ ઈન્ડિયાનો વનડે કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો હતો. તેણે રોહિત શર્માનું સ્થાન લીધું હતું, પરંતુ કેપ્ટન તરીકેની તેની પ્રથમ મેચમાં, તે બેટ અને કેપ્ટનશીપમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો હતો. શ્રેણી શરૂ થતાં પહેલાં બધાને ગિલ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ તે આ મેચમાં તે અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં નિષ્ફળ ગયો. હવે, ગિલ અને કંપની બીજી વનડેમાં મજબૂત વાપસી કરવાનો પ્રયાસ કરશે.
મેચની વાત કરીએ તો, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય ટીમ આ મેચમાં સારી શરૂઆત કરી શકી નહીં. લાંબા સમય પછી મેદાનમાં પાછા ફરતા રોહિત શર્મા અને વિરાટ કોહલી વહેલા આઉટ થઈ ગયા. કેપ્ટન શુભમન ગિલ પણ ફક્ત ૧૦ રન જ બનાવી શક્યા. વરસાદના કારણે વિક્ષેપિત મેચ ૨૬ ઓવરમાં ઘટાડી દેવામાં આવી હતી. ભારતે પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા માટે ૧૩૧ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જે ઓસ્ટ્રેલિયાએ ૩ વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા માટે મિશેલ માર્શે અણનમ ૪૬ રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા હાલમાં ત્રણ મેચની શ્રેણી ૧-૦થી આગળ છે.