’યુબીક સોલ્યુશન પ્રા. લી.ના મેનેજરે નવા નામે નવી પેઢી ઉભી કરી ૮૦ લાખની ઉચાપત કરી’તી
Rajkot
શહેરના ખોટા નામે જી.એસ.ટી. નંબર મેળવી રૂ. ૮૦ લાખ ઓળવી આચરેલ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ના સાળી સુધાસિંઘના આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટ દ્વારા નામંજુર કરવામાં આવી છે.આ કેસની હકીકત મુજબ, શહેરની ’યુબીક સોલ્યુશન પ્રા. લી.’ કંપનીના ચેરમેન ઈલેશભાઈ ચુનીલાલ ખખ્ખરે ઉત્તરાખંડ ખાતે દવાઓ અને અન્ય પ્રોડક્ટ્સના માર્કેટિંગ અને વેચાણ માટે વિનીતકુમાર સિંગને મેનેજર તરીકે નીમેલ હતો. આરોપીએ ઉત્તરાખંડ ખાતે સાઈ આસ્થા રેમીડીઝ નામની પેઢીના નવા જીએસટી નંબર અને નવા સરનામા હેઠળ વેપાર કરવાનું કહી કંપનીને વિશ્વાસમાં લીધી હતી.
તે કંપનીની યોજનાઓ મુજબ ઈમેઈલથી વેચાણની વિગતો મોકલતો હતો, જેના આધારે ફરિયાદીની કંપની ક્રેડિટ નોટ મોકલતી હતી. જાન્યુઆરી ૨૦૨૫માં કંપનીના એકાઉન્ટન્ટ દ્વારા હિસાબોની તપાસ કરાતાં બે ફેસવોશ પ્રોડક્ટ્સમાં વધુ યુનિટ્સ દર્શાવી તેમજ ફ્રી યુનિટ્સમાં ફેરફાર કરી ખોટી ક્રેડિટ નોટો દ્વારા રૂ. ૨૬.૪૭ લાખની ઉચાપત ખુલી હતી. જેથી કંપનીના ડાયરેક્ટર નિકેત રાવકર ફેબ્રુઆરી ૨૦૨૫માં દેહરાદૂન તપાસ અર્થે જતાં, જીએસટીમાં દર્શાવેલ સરનામે સાઈ આસ્થા રેમીડીઝ નામની કોઈ પેઢી જ ન હોવાનું અને ત્યાં માત્ર મકાન હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ૧૬૬ જેટલી પ્રોડક્ટ્સના વેપારનું ક્રોસ વેરીફિકેશન અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે ઓડિટ કરાવતાં કુલ રૂ. ૮૦,૬૫,૦૫૭ની કૌભાંડી ઉચાપત થઈ હોવાનું સ્પષ્ટ થયું હતું.
વધુ તપાસમાં આ નવો જીએસટી નંબર આરોપી વિનીતકુમારે પોતાની સાળી સુધાસિંઘના નામે મેળવ્યો હોવાનું અને ટ્રાન્સપોર્ટમાંથી માલ પોતે જ રીસીવ કરતો હોવાનું ખુલ્યું હતું. બાદ પોલીસ ધરપકડની દહેશતથી સાળી સુધાસિંઘએ આગોતરા જામીન અરજી કરી હતી.બંને પક્ષોની રજૂઆત બાદ ફરિયાદીના ધારાશાસ્ત્રીઓએ લેખિત રજૂઆતો અને ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ટાંકી જામીનનો સખત વિરોધ કર્યો હતો, જેને માન્ય રાખી કોર્ટે સુધાસિંઘની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ કેસમાં સરકારપક્ષે ડી.જી.પી. એસ.કે. વોરા તેમજ મૂળ ફરિયાદી વતી રાજકોટના ધારાશાસ્ત્રી રૂપરાજસિંહ પરમાર, હુસૈનભાઈ હેરંજા, રવિભાઈ લાલ, જયદેવસિંહ ઝાલા, રહીમભાઈ હેરંજા, અંકિતભાઈ ભટ્ટ, દીપકભાઈ ભાટિયા, યુવરાજસિંહ ગોહિલ અને પ્રેમરાજસિંહ પરમાર રોકાયેલ હતા

