Gandhinagar,તા.27
ગુજરાતમાં વિદાય લેનાર વિક્રમ સંવત ગુજરાત ભાજપને બે લાંબી રાહ જોવાતી હતી તે `ભેટ’ આપીને વિદાય લીધી. પ્રથમ લગભગ પાંચ વર્ષના પાટીલ યુગનો અંત આવ્યો અને નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની વરણી થતા જ હવે ગુજરાત ભાજપ એક નવા અને હજુ સુધી ઓછા કળાયેલા પ્રદેશ પ્રમુખના યુગમાં આવી ગયું છે તથા હવે તેઓ સંગઠનની `ટીમ’માં કોને લે છે તેના પર નજર છે.
ચર્ચા મુજબ દેવદિવાળી સુધીમાં પક્ષનું નવું સંગઠન રચાઈ જશે તો બીજી તરફ 2022ની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે ફરી સતા પર આવ્યા બાદ ભુપેન્દ્ર પટેલ સરકારનું વિસ્તરણ કયારે તે ચર્ચા હતી અને દિવાળીના બે દિવસ પુર્વે જ રાજભવનના બદલે મહાત્મા મંદિરમાં તોરણ બંધાયા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની `સ્પેશ્યલ-26′ રચાઈ તેમાં પણ જેઓને મંત્રીપદ મળ્યુંં અને જેઓ રહી ગયા તેની ચર્ચા હવે પુરી થઈ છે તથા હવે એક તરફ સંગઠનમાં વિશ્વકર્મા અને સરકારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સંવત 2082માં કેન્દ્રમાં હશે તે ચર્ચા છે.
ટીમ વિશ્વકર્મામાં કોણ!
હવે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમની નવી ટીમમાં સામેલ કરે છે તેના પર ખાસ નજર છે એ નિશ્ચિત છે કે પાટીલની હાજરી-ગેરહાજરીમાં `કમલમ’થી પુરો પ્રદેશ સંભાળનાર ઉપપ્રમુખ-મહામંત્રીઓની ટીમ વિદાય લેશે. અનેકે સોશ્યલ મીડીયામાં તેના બાયો પણ બદલી નાખ્યા છે પણ ચાર મહામંત્રીઓમાં કોને ચાન્સ મળે છે તેની ચર્ચા છે. એક-બે જૂના જોગીઓ જેમાં પુર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું નામ સૌથી ચર્ચામાં તેમની વાપસી થઈ શકે છે.
તો સૌરાષ્ટ્રમાં જે રીતે જેમનું નામ મંત્રીપદમાં સૌથી ફેવરીટ હતું તે જયેશ રાદડીયા ખુદ હવે તેમને સ્થાન મળ્યુ નહી તેને નસીબના ખેલ જ સમજે છે અને એ નિશ્ચિત કરે છે તેના રાજકીય વિધાતા હવે વિશ્વકર્મા છે.
તેઓને સંગઠનમાં કોઈ સ્થાન હશે કે પછી હાલના ઉપપ્રમુખ ભરતભાઈ બોઘરા જે પાટીલની ટીમના ટોપ ઓર્ડર બેટર હતા તેઓને હવે મહામંત્રી બનાવે છે તેના પર નજર છે. સરકારની દ્રષ્ટીએ તો સૌરાષ્ટ્રમાં નવ મંત્રીઓની ફીલ્ડીંગ ગોઠવાઈ ગઈ છે. હવે સંગઠનના બેટસમેન-બોલર નકકી થશે જેમાં સાઈડલાઈન થયેલા અનેકને આશા છે.
વિધાનસભામાં વ્યવસ્થા ફરશે
વિધાનસભામાં બે ઉપદંડકના સ્થાન ખાલી થયા છે. શ્રી કૌશિક વેકરીયા અને રમણ સોલંકી મંત્રી બનતા તેમના સ્થાને હવે બે ધારાસભ્યોને આ જવાબદારી સોપાશે તે પણ એકાદ-બે દિવસમાં નિયુક્તિ થશે તો ગૃહમાં હવે બેઠક વ્યવસ્થા ફરશે. ખાસ કરીને હર્ષ સંઘવીને પ્રમોશન મળતા હવે તેઓ ગૃહમાં અને કેબીનેટમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની નજીક નંબર-ટુ સ્થાને બેસશે. વિસ્તરણ વાદની ઔપચારીક બેઠકમાં તે ફેરફાર જોવા મળ્યો છે. અત્યાર સુધી નંબર-ટુ સ્થાન ઋષીકેશ પટેલ પાસે હતું.
તે હવે નંબર-પાંચ બની ગયા છે તો કનુ દેસાઈ નંબર-3 પર તથા નંબર-4 પર જીતુ વાઘાણી આવી ગયા છે. કુંવરજી બાવળીયા નંબર પાંચ પર છે પણ તેમના વિભાગોનું મહત્વ ઘટયું છે તો હર્ષ સંઘવીએ મોટી છલાંગ લગાવી છે.
હવે હર્ષ સંઘવી પર નજર
ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીને પ્રમોશન મળશે તે નિશ્ચિત હતું પણ નાયબ મુખ્યમંત્રીપદની સરપ્રાઈઝ ગીફટ પુર્ણ કક્ષાનું ગૃહ મંત્રાલય અને સાથે ઉદ્યોગ સહિતના મંત્રાલય મળતા હવે પુરા ગુજરાતનું ફોકસ હર્ષ સંઘવી પર આવી ગયુ છે તે તેની અસર પણ જોવા મળી છે. ખુદ રાજયના પોલીસ વડા સોશ્યલ મીડીયામાં સક્રીય બની ગયા છે.
શ્રી સંઘવી પુરી રીતે કાયદો-વ્યવસ્થા સંભાળશે અને તેથી પોલીસ બેડામાં ફેરફાર પણ તે રીતે કરશે તેઓ માટે પોલીસની ઈમેજ સુધારવાનો પડકાર છે તો ઉદ્યોગ મંત્રાલય પણ મળતા હવે રાજયની નવી ઉદ્યોગ પોલીસી 2027ના વાઈબ્રન્ટ સમીટ પર હર્ષ સંઘવીની છાપ હશે.
તેઓ માટે હવે ઉદ્યોગને એક વિભાગ જ નહી ગુજરાતને પુરી રીતે વાઈબ્રન્ટ બનાવવામાં મહત્વનું પુરવાર થશે. તેઓ ઉદ્યોગ સાથે તેઓનો પ્રશ્નો અંગે એક નવા અભિગમથી થશે તે નિશ્ચિત છે.
સરકારમાં હવે ક્રમ બદલાયોઃ કમલમમાં ચહેરા બદલાશે
* હવે નંબર-ટુ પર હર્ષ સંઘવી સૌથી યુવા મંત્રીની મોટી છલાંગ
* નંબર-3 હવે નાણામંત્રી કનુભાઈ દેસાઈઃ નંબર ચાર પર જીતુભાઈ વાઘાણી અને ઋષીકેશ પટેલ છેક પાંચમા ક્રમે ગયા.
* બાવળીયાએ કેબીનેટ રેન્ક જાળવી રાખી, ખાતાનું મહત્વ ઘટયું
* સરકારના નવા પ્રવકતા મંત્રી જીતુ વાઘાણી બની શકે.
* વિધાનસભામાં બે ઉપદંડક પદે પણ નવા ચહેરા હશે.
* કમલમમાં હવે પાટીલ યુગના ચહેરામાં કોનું સ્થાન જળવાઈ રહે તેના પર નજર
* અનેક હોદેદારોએ સોશ્યલ મીડીયા `બાયો’ બદલાવી નાખ્યા.

