Rajkot, તા. 27
દિવાળીનો તહેવાર પસાર થઇ ગયો છતાં કમોસમી વરસાદે હજુ પીછો છોડયો નથી. અરબી સમુદ્રમાં એક સાથે સર્જાયેલા ત્રણ સિસ્ટમે ફરી રાજ્યને ધમરોળી નાંખ્યુ છે અને ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ સહિતનાં વિસ્તારોમાં 1 થી 11 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ખેડુતોની માઠી દશા થઇ છે. ખાસ કરીને ભાવનગરમાં મહુવામાં 11 ઇંચ, સિહોરમાં પ ઇંચ વરસાદ પડયો હતો.
આ ઉપરાંત જાફરાબાદમાં 4 ઇંચ, રાજુલામાં 3 ઇંચ અને સાવરકુંડલામાં 2 ઇંચ તથા ગીર સોમનાથનાં સુત્રાપાડામાં 6, કોડીનાર-ઉનામાં ર ઇંચ વરસાદ વરસ્યો હતો. જયારે રાજકોટમાં માત્ર ઝાપટા વરસ્યા હતા.
આ ઉપરાંત આજે પણ અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. દરમ્યાન સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ ગુજરાતમાંથી ચોમાસાએ કાયદેસર રીતે વિદાય લીધા બાદ પણ હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અમરેલી શહેર સહિત જિલ્લામાં છેલ્લા બે દિવસથી કારતક માસમાં અષાઢી માહોલ જામ્યો છે. હળવાથી લઈ ધોધમાર કમોસમી વરસાદ શરૂ રહેવા પામેલ છે. ત્યારે અમરેલી શહેરમાં ગઇકાલ સાંજથી આજે આ લખાય છે ત્યારે પણ આખી રાત ધીમીધારે અવિરત કમોસમી વરસાદ શરૂ રહેવા પામેલ છે.
અમરેલીમાં ગઇકાલે જ કમોસમી વરસાદએ મંડાણ કર્યાં હતા. અમરેલીમાં ગઇકાલે સાંજથી કમોસમી વરસાદ શરૂ થવા પામેલ છે. આજે આ લખાય છે ત્યારે પણ આખી રાત ધીમીધારે અવિરત કમોસમી વરસાદ શરૂ રહેવા પામેલ છે. એક તરફ અમરેલીના મોટા મુખ્ય માર્ગો ઉપર ખોદકામ થયું છે. જેને લઈ શહેરીજનો ભારે મુશ્કેલીમાં હતા. ત્યાં આજે વરસાદે લોકો માટે મુશ્કેલી પણ ઉભી કરી છે. દિવાળી પછી આજથી માર્કેટયાર્ડ તથા સરકારી ઓફિસ આજથી શરૂ થવા જઈ રહી છે. ત્યારે કારતક માસમાં અષાઢી માહોલ સર્જાયો છે.
અમરેલી જિલ્લાના દરિયા કાંઠાના જાફરાબાદ શહેર સહિત કોસ્ટલ બેલ્ટ ગામડાઓમાં ગઇકાલ કમોસમી વરસાદ પડ્યો હતો. સાવરકુંડલા ગ્રામ્યમાં પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ.પડતા સાવરકુંડલાના ભમ્મર ગામની ફુલઝર નદીમાં આવ્યું પૂર આવ્યું છે. જ્યારે ભમ્મરની જામવાળી નદીમાં આવ્યું પૂર આવ્યાનું જાણવા મળેલ છે. ભારે વરસાદથી ખેડૂતોની મગફળી તણાઈ જવા પામેલ છે. અને સાવરકુંડલા મહુવા જવાનો માર્ગ બંધ થઈ જવા પામેલ છે.
આજે સવારે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન અમરેલીમાં 22 મીમી વરસાદ, કુંકાવાવમાં 6, બાબરા 16, લાઠી 18, લીલીયા 5, બગસરા 19, ધારી 5, સાવરકુંડલા 52, ખાંભા 32, જાફરાબાદમાં 95 મીમી, રાજુલામાં 77 મીમી વરસાદ નોંધાયો છે.
જ્યારે શિયાળામાં ઠંડી ની જગ્યાએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને માવઠાથી વ્યાપક નુકસાન પણ થઈ શકે છે. ખેતી પાકો સાથે ચારાને પણ નુકસાન છે. તા.2 નવેમ્બર સુધી માવઠું પડી શકે છે ત્યારે શનિવારે સોમનાથ-વેરાવળ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બે દિવસ હળવાથી મધ્યમ અને છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગીર સોમનાથ ના વેરાવળ સહિત તમામ બંદરો ઉપર દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં પવનની ગતિ વધીને 55 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વ મધ્ય અને અડીને આવેલા દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર પર ડિપ્રેશન, ગુજરાતના દરિયાકાંઠે વરસાદ અને ભારે પવનની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. ભારે વરસાદ અને પવનના કારણે વૃક્ષોની ડાળી તૂટવી, પાકને નુકસાન, કાચા મકાનોને નુકસાન, માર્ગ અને રેલ વ્યવહાર ખોરવાઇ શકે છે. આ માટે એનડીઆરએફ ની ટીમ પણ તૈનાત કરેલ છે.
ગીર સોમનાથ જિલ્લામાં અડધાથી 6 ઇંચ સુધી વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. સુત્રાપાડા તાલુકામાં સૌથી વધુ 6 ઇંચ વરસાદ નોંધાયો છે, જેના પરિણામે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને મગફળીનો તૈયાર પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે.
સાંજે છ વાગ્યા સુધીના આંકડા મુજબ, સુત્રાપાડા તાલુકામાં રાત્રિ દરમિયાન ચાર ઇંચ બાદ દિવસ દરમ્યાન 43 મીમી (બે ઇચ) વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, વેરાવળમાં 20 મીમી (એક ઇચ), ઉનામાં 33 મીમી (દોઢ ઇચ), તાલાલામાં 16 મીમી (અડધો ઇચ), ગીર ગઢડા માં 19 મીમી (એક ઇચ), કોડીનારમાં 39 મીમી (બે ઇચ) વરસાદ પડયો છે.
આ કમોસમી વરસાદને કારણે સુત્રાપાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, મગફળીના વાવેતરમાં પ્રતિ વીઘે 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. પાક બરબાદ થતા તેમને આવક મળવાને બદલે વાવેતરમાં ખર્ચ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. ખેડૂતોને રાજ્ય સરકાર પાસેથી તાત્કાલિક સહાયની માંગ કરી છે.
તથા ઉના તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન કમોસમી બે ઇંચ વરસાદ નોંધાયો છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.ખેતરો મા રાખેલ તૈયાર મગફળી અને ડુંગળી કપાસ જેવા પાકો ને વરસાદ ના કારણે ભારે નુકસાની વેઠવી પડી છે ખેડૂતો ના ખેતરો મા પાણી ભરાતા રસ્તા અને નાળા મા વહેતાં થયાં હતાં જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હોય સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.
હવામાન વિભાગની આગાહી બાદ ગત રાત્રિ કમોસમી વરસાદ શરૂ થયો હતો જે 24 કલાક પછી પણ હજુ વરસાદી વાતાવરણ ચાલુ છે જાણે કારતક માસમાં અષાઢી માહોલ જેવી સ્થિતિ સર્જાઇ હોવાના કારણે ખેડૂતો સાથે બંદર વિસ્તારમાં શુકી ડ્રાય ફીશ ના વેપારી ને અને માછીમારો ને પણ મોટો ફટકો લાગ્યો છે અને લાખો રૂપિયા નું નુકશાન વેઠવું પડયું છે
કપાસ, ડુંગળી ,મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું ખેતરોમાં પડેલા પાથરા ના ઢગલા પાણી મા પલળી જતા મુગા પશુઓના ચારા પણ બગડી ગયા હતા ગત રાત્રિથી વરસી રહેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોની હાલત કફોડી બની રહી છે વાવેતર પાછળ કરેલા ખર્ચ અને મજૂરીના પૈસાનો હિસાબ કરવામાં આવે તો પણ તેમને મોટું નુકસાન પહોંચી રહ્યું છે.
ઉપરાંત છેલ્લા બે દિવસથી સોરઠ જીલ્લામાં માવઠારૂપી વરસાદના કારણે ખેતરોમાં પડેલા મગફળીના પાથરા ઉપર નુકસાની થવા પામી રહ્યું છે જયાં આભ ફાટયું હોય ત્યાં થીગડુ કયા દેવા જવું તેવો ઘાટ સર્જાયો છે. કઠોળના પાકમાં નુકસાની થવા પામી છે. ગઇકાલે લાભપાંચમના કેશોદ, વંથલી, માણાવદર, બાંટવા, જુનાગઢમાં દિવસ દરમ્યાન ઝાપટારૂપી વરસાદ પડતા મગફળી, સોયાબીનના પાથરા પલળી જવા પામેલ છે, મોઢે આવેલ કોળીયો ઝુંટવાઇ જવાની ભીતિ ઉભી થવા પામી છે. પશુનો ચારો (ભુકો) કાળો ભટ્ટ થઇ જવા પામી રહ્યો છે.
અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે વાતાવરણમાં પલ્ટો આવતા માંગરોળ, મેંદરડા સહિત પંથકોમાં માવઠાનો વરસાદ પડી રહ્યો છે. વિસાવદરમાં અર્ધો ઇંચ વરસાદ નોંધાયો છે.

