Bhavnagar, તા. 27
સૌરાષ્ટ્રમાં દિવાળી બાદ અસહ્ય બફારા, તડકા વચ્ચે આગાહી મુજબ વરસાદ ખાબકયો છે. ચોમાસામાં પણ ન પડયો હોય એવો વરસાદ ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢ જિલ્લામાં વરસ્યો છે. તેમાં મહુવામાં 11 ઇંચથી વધુ પાણી પડતા જળબંબાકાર થઇ ગયું છે.
સિહોર, ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. તો સુત્રાપાડામાં 6, જાફરાબાદમાં 4 ઇંચ પાણી વરસી ગયું છે. આ દરિયાકાંઠાના ભાગોમાં આજે પણ ગાઢ માહોલ છે.
ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં છેલ્લા 26 કલાક દરમિયાન પોણા ઇંચ થી સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો છે.
ગઈકાલે રાત્રે ધોધમાર વરસાદ પડ્યો હતો. આજે સવારે પણ મુશળધાર વરસાદ પડ્યો છે. જિલ્લાના મહુવામાં 11.5 ઇંચ, સિહોરમાં 5.5 ઈચ, ભાવનગર શહેરમાં 3.5 ઇંચ, પાલીતાણામાં 3.5 ઇંચ, જેસરમાં 3.5 ઇંચ, ગારીયાધારમાં 2.5 ઇંચ, તળાજા અને ઉમરાળામાં 2.5 ઇંચ અને વલભીપુરમાં 3.75 ઇંચ વરસાદ પડ્યો છે. હજુ પણ જિલ્લામાં ત્રણ દિવસ વરસાદની આગાહી છે. પાછોતરા વરસાદથી જિલ્લામાં કપાસના પાકને નુકસાન ની ભીતી સેવાઈ રહી છે.
ગોહિલવાડ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ભરશિયાળે ચોમાસાનો માહોલ ઉભો થયો છે. સમગ્ર જિલ્લામાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી થઈ ગઈ છે. જિલ્લામાં હાલમાં કપાસનો પાક ઉભો છે અને ઘણા સ્થળે વધુ મગફળીના પથરાપણ પડ્યા છે તેવા સમયે કમોસમી વરસાદથી ખેડૂતો માં ચિંતા ની લાગણી ફેલાઈ છે.
મહુવામાં અને ભાવનગર શહેરમાં રવિવારની રાત્રે ધોધમાર વરસાદ તૂટી પડતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. આજે સોમવારની સવારે છ થી આઠ દરમિયાન પણ મહુવા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. તોફાની પવન સાથે જિલ્લાભરમાં વરસાદ પડ્યો છે. હજુ પણ ભાવનગર જિલ્લામાં ત્રણ દિવસ વરસાદની આગાહી છે.
આજે સવારે 8 કલાકે પૂરા થતા પહેલા 26 કલાક દરમિયાન ભાવનગર જિલ્લાના વલભીપુરમાં 90, ઉમરાળામાં 92 ,ભાવનગર શહેરમાં 79 ,ઘોઘામાં 15, સિહોરમાં 135, ગારીયાધારમાં 69, પાલીતાણામાં 79, તળાજામાં 56, મહુવામાં 277 અને જેસર માં 89 મી.મી. વરસાદ નોંધાયો છે. આજે સવારે પણ ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે.

