વિકાસના નામે જનતાને હેરાનગતિની ભેટ !
(મિલાપ રૂપારેલ દ્વારા)
Amreliતા.૨૧ઃ
Amreli શહેરના સતત ટ્રાફિકથી ધમધમતા લાઠી માર્ગ ઉપર રેલવે ફાટક પાસે બ્રોડગેજ રેલવે લાઇનની કામગીરી અચાનક શરૂ કરવામાં આવતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રેલવે ફાટક બંને બાજુથી બંધ કરી દેવામાં આવતાં કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો. એક તરફ દશેરાના તહેવારને લઈને શહેરમાં અવર જવરનું પ્રમાણ વધ્યું હતું, ત્યારે બીજી તરફ અગાઉથી કોઈ સ્પષ્ટ જાણકારી કે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા વિના રસ્તો બંધ કરી દેવાતાં વાહન ચાલકોમાં નારાજગી ફેલાઈ હતી.
Amreliમાં બ્રોડગેજ રેલવે લાઇનની કામગીરી ચાલી રહી છે, જેના ભાગરૂપે લાઠી માર્ગ ઉપર આવેલા રેલવે ફાટક નજીક મોટા ગડર લગાવવાના હોવાથી માર્ગની બંને બાજુ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. જો કે, આ કામગીરી માટે માર્ગ બંધ થવાનો હોવાથી વાહન ચાલકોને અગાઉથી જાણ કરવામાં આવી હોત તો તેઓ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરીને સમય અને હાલાકી બંને બચાવી શક્યા હોત.
ગઈકાલે દશેરાના તહેવાર નિમિત્તે ખરીદી, વ્યવસાય અને અન્ય કામકાજ માટે લોકોની અવર જવર વધારે રહેતી હોય છે. એવા સમયે શહેરના મહત્ત્વના માર્ગ ઉપર અચાનક વાહન વ્યવહાર માટે રેલવે ફાટક બંધ કરી દેવામાં આવતાં વાહન ચાલકો મૂંઝવણમાં મુકાયા હતા. તેઓને કઈ દિશામાં જવું? અને કયો વૈકલ્પિક માર્ગ અપનાવવો? તે અંગે સ્પષ્ટતા ન હોવાથી અનેક વાહનચાલકો આમથી તેમ ભટકતા જોવા મળ્યા હતા. અચાનક સર્જાયેલી આ સ્થિતિને કારણે લોકોને સમયનો બગાડ સહન કરવાની સાથે ભારે અસુવિધાનો પણ સામનો કરવો પડ્યો હતો.
બીજી તરફ, આ માર્ગ બંધ કરવા અંગે અગાઉથી કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે નહીં તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવી નથી. જો આગોતરી જાણકારી અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હોત તો દશેરાના તહેવારના દિવસે વાહનચાલકોને પડેલી હાલાકી ટાળી શકાય તેમ હતી.
હવે સવાલ એ ઊભો થાય છે કે, બ્રોડગેજ લાઇનની કામગીરી દરમિયાન વાહનચાલકોને પડતી મુશ્કેલીઓ ટાળવા માટે રેલવે તંત્ર અને સંબંધિત સત્તાધીશો દ્વારા યોગ્ય વ્યવસ્થા ક્યારે કરવામાં આવશે? કામગીરીની સાથે જનસુવિધા જળવાય અને નાગરિકોને રસ્તા ઉપર રઝળપાટ ન કરવો પડે તે માટે તંત્ર સજાગ બનશે કે પછી દર વખતે જનતાએ જ સહનશીલતાનો પરિચય આપવો પડશે?
કામગીરી જરૂરી, પરંતુ પૂર્વ આયોજનનું શું?
વાહનચાલકોએ નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, રેલવે લાઇનની કામગીરી જાહેર હિતમાં જરૂરી હોઈ શકે છે, પરંતુ તેના કારણે લોકોની અવરજવર ખોરવાય નહીં તે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવું પણ એટલું જ જરૂરી છે. માર્ગ બંધ કરવાનો હોય તો અગાઉથી જાહેર જાણકારી આપવી જોઈએ, કામગીરીનો સમય જાહેર કરવો જોઈએ અને વૈકલ્પિક માર્ગ અંગે સ્પષ્ટ માર્ગદર્શન આપવું જોઈએ, જેથી નાગરિકોને બિનજરૂરી મુશ્કેલીનો સામનો કરવો ન પડે.
અમરેલીની પ્રજાની સહનશીલતાની કસોટી ક્યારે સુધી?
અમરેલીમાં વારંવાર મહત્ત્વના માર્ગો ઉપર કામગીરી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાપન અને નાગરિકોને આગોતરી જાણ કરવાની બાબત ચર્ચાનો વિષય બને છે. વિકાસનાં કામો જરૂરી છે, પરંતુ વિકાસના નામે સામાન્ય નાગરિકોની સુવિધા અને સમયની અવગણના ન થવી જોઈએ. ખાસ કરીને તહેવારોના દિવસોમાં લોકોની અવરજવર વધતી હોવાથી સંબંધિત તંત્રએ વધુ જવાબદારીપૂર્વક આયોજન કરવું જોઈએ.

