મુંજકા સ્થિત વેરહાઉસમાંથી ૯૪ પાર્સલ મેળવી ફરાર થઇ જનાર મિહિર વાઘેલાની ધરપકડ, રૂ.૧૨.૦૫ લાખની ચીજ-વસ્તુઓ રિકવર
Rajkot તા.૨૧ઃ
મુંજકામાં આવેલ ફ્લિપકાર્ટના વેરહાઉસમાંથી ૧૨.૫૬ લાખના ૧૦૦ પાર્સલ મેળવી ડિલિવરી બોયએ ફક્ત છ પાર્સલની ડિલિવરી આપી હતી. જયારે અન્ય ૯૪ પાર્સલ સાથે ફરાર થઇ ગયો હતો. જે મામલે એલસીબી ઝોન-૨ અને યુનિવર્સીટી પોલીસે સંયુક્ત કાર્યવાહી આદરી ડિલિવરી બોય મિહિર વાઘેલાની અટલ સરોવર પાસેથી ધરપકડ કરી રૂ. ૧૨.૦૫ લાખના અલગ અલગ પાર્સલ રિકવર કર્યા હતા. દેણું ઉતારવા ડિલિવરી બોયએ પોતે જ અલગ અલગ પાર્સલ મંગાવી ખેલ પાડ્યાનું પોલિસની તપાસમાં ખુલવા પામ્યું છે.
ચોરી કરી ડિલિવરી બોય ફરાર થઈ ગયો હતો. જે બાદ તેને ૬ પાર્સલ ડિલિવરી કરી ૧૨.૫૩ લાખના ૯૪ પાર્સલ સાથે મિહિર વાઘેલા નાસી છૂટતાં યુની. પોલીસ દોડતી થઈ હતી અને તેની શોધખોળ આદરી હતી.
બનાવની વિગતો પર નજર કરવામાં આવે તો મુંજકા ગામે આવેલ ફ્લિપકાર્ટના વેર હાઉસમાંથી ડિલિવરી બોય મિહિર વાઘેલા ગત તા.૧૧ ના રોજ રૂ.૧૨.૫૬ લાખના ૧૦૦ પાર્સલ ડિલિવરી અર્થે લઈને નીકળ્યો હતો. જે પૈકી છ પાર્સલ ડિલિવર કર્યા હતા જયારે અન્ય પાર્સલ સાથે તે મોબાઈલ સ્વીચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જેથી સમગ્ર મામલે યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી. દરમિયાન પીઆઈ કે કે ગોહિલ અને પીએસઆઈ એસ એન શ્યોરાની રાહબરી હેઠળની યુનિવર્સીટી પોલીસ અને પીએસઆઈ એસ વી ચુડાસમા અને એએસઆઈ જે વી ગોહિલના નેતૃત્વ હેઠળની એલસીબી ઝોન-૨ ટીમે સંયુક્ત તપાસ આદરી હ્યુમન સોર્સ અને ટેકિન્કલ રિસોર્સની મદદથી આરોપી મિહિર રમેશભાઈ વાઘેલા (ઉવ ૨૪ રહે. કોલેજવાડી શેરી નં.-૧, યાજ્ઞિક રોડ, રાજકોટ. મૂળ રહે. વડવા તલાવડી, ભાવનગર)ની અટલ સરોવર નજીક બજરંગ ચોકમાંથી ધરપકડ કરી રૂ. ૧૨.૦૫ લાખની કિંમતના અલગ અલગ પાર્સલ રિકવર કર્યા હતા.

