શાકભાજી વેંચી પરીવારને આર્થિક રીતે મદદરૂપ થતી તરુણીએ આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી
Rajkot તા.૨૧ઃ
શહેરના વાવડી વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય સગીરાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. શાકભાજી વેંચી આર્થિક રીતે મદદરૂપ થતી પુત્રીએ અંતિમ પગલું ભરી લેતા પરિજનોનો શોકમાં ગરકાવ થઇ ગયો હતો. બનાવ અંગે વાવડી ગામની પાછળ વિશ્વકર્મા સોસાયટી ચામુંડા હોટલની આગળ રહેતી મૂળ મહારાષ્ટ્રમાં કાનપુરની વતની કાજલકુમારી રાજુભાઈ (ઉ.વ.૧૭) નામની યુવતીએ ગઈકાલે સાંજના ૬ વાગ્યાની આસપાસ પોતે ઘરે એકલી હતી ત્યારે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
જે બનાવ અંગે પરિજનોને જાણ થતા તુરંત જ ૧૦૮ બોલાવી હતી પરંતુ દોડી આવેલ ટીમે ૧૭ વર્ષની સગીરાને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ થતા એએસઆઈ એન.એલ. ચાવડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.જે મામલે વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મૃતક સગીરા પાંચ બહેનમાં વચેટ હતી. તેના પિતા મજૂરી કામ કરે છે. તેમજ મૃતક પરિવારને આર્થિક મદદરૂપ થવા માટે શાકભાજી વેચતી હતી. ગઈકાલે તેમનો પરિવાર એક રેસ્ટોરન્ટના ઉદૃઘાટનના કાર્યક્રમમાં ગયો હતો ત્યારે સગીરા ઘરે એકલી હતી ત્યારે તેને અંતિમ પગલું કરી લીધું હતું. બાદ પરિજનો ઘરે આવતા જ કરુણ દ્રશ્ય જોઈ ભાંગી પડ્યા હતા. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ હતી. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે..

