Surendaranagar,તા.27
ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે પાંચ દિવસ માવઠાની આગાહી કરી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. મોડી રાત્રે અચાનક ધોધમાર વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા ચાલુ વર્ષે મગફળી, કપાસ, એરંડા સહિતના પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે પાક પલળી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ખેડૂતો દ્વારા કપાસ વિરાટ કામ ચાલી રહ્યું છે. જ્યારે મગફળી પણ જમીનમાંથી ઉલેચવામાં આવી રહી છે. ત્યારે તૈયાર થઈ ગયેલા પાક લેવાની સીઝન શરૂ થતાની સાથે જ માવઠું વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
વઢવાણ સહિતના તાલુકાઓમાં મોડી રાત્રે માવઠું વરસવા પામ્યું છે જેને લઇને કપાસ પલળી જવા પામ્યો છે અને જે જીંડવાઓ છે તેની ઉપર કપાસ ઉગ્યો હતો તે જમીન ઉપર નીચે પડી ગયો છે. એક બાજુ પૂરતા ભાવ નથી મળી રહ્યા બીજી બાજુ વરસાદથી ગુણવત્તા ખરાબ થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
પૂરતા ભાવ નહીં મળી શકે તેવી ચિંતા પણ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. મગફળી જમીનમાંથી બહાર કાઢવામાં આવી રહી છે. તે પણ પલડી જવા પામી છે તેની પણ ગુણવત્તા ખરાબ થાય તેવી શક્યતાઓ ખેડૂતોએ વ્યક્ત કરી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં 2024 ના વર્ષમાં પાક નુકસાન વળતરમાં 75,000 જેટલા ખેડૂતો હજુ પણ વળતરથી વંચિત છે. ત્યારે બીજી બાજુ 2025ના વર્ષમાં પાંચ જિલ્લામાં પાક નુકસાનના નામે 900 કરોડથી વધુની સહાય જાહેર કરવામાં આવી છે પરંતુ તેમાં સુરેન્દ્રનગર જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે.
સતત માવઠાનો માર સહન કરી ખેડૂત ખેતી કરી રહ્યો છે પરંતુ હવે તેની આર્થિક પરિસિ્થતિ કફોડી બનતી જઈ રહી છે. મોંઘુ બિયારણ, દવાઓ અને મોંઘુ ખાતર નાખી અને મહેનત કરી વાવેતર કર્યું પરંતુ મોઢામાં આવેલો કોડિયો છિનવાઈ જતા ખેડૂતો કફોડી હાલતમાં મૂકાયા છે. સત્વરે સર્વે કરી સહાય ચૂકવાય અને કપાસની ટેકાના ભાવે ખરીદી વખતે ગુણવત્તામાં બાંધછોડ કરાય તેવી ખેડૂતો માંગણી કરી રહ્યા છે.

