New Delhi તા.27
શેરીઓમાં રખડતા આવારા કુતરાઓની સમસ્યા મુદે આજે સુપ્રીમકોર્ટે ફરી એક વખત આકરી ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે ભારતમાં જે આ સમસ્યા છે તેમાં હવે દેશની છબી પણ વિદેશમાં ખરાબ થઈ રહી છે અને સરકારોએ તેમાં ઝડપથી કામગીરી કરવાની જરૂર છે.
અગાઉ તા.22 ઓગષ્ટના સુનાવણી સમયે સર્વોચ્ચ અદાલતે તમામ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને આવારા કુતરાઓની સમસ્યા અંગે તેઓ શું કરવા માંગે છે તેની વિસ્તૃત માહિતી આપતુ સોગંદનામુ રજુ કરવા આદેશ આપ્યો હતો પરંતુ અત્યાર સુધીમાં ફકત પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને દિલ્હી મહાનગરપાલિકાએ સુપ્રીમમાં સોગંદનામા દાખલ કર્યા છે.
હવે સર્વોચ્ચ અદાલતે રાજયોના આ વલણની ગંભીર નોંધ લઈને જે રાજયોએ સોગંદનામા રજુ કર્યા નથી તેમને નોટીસ ફટકારીને તે રાજયોના મુખ્ય સચીવોને સુપ્રીમકોર્ટમાં હાજર થવા જણાવ્યું છે અને તા.3 નવેમ્બરના વધુ સુનાવણી થશે.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વિક્રમનાથ, જસ્ટીસ સંદીપ મહેતા અને જસ્ટીસ એન.વી.અંજારીયાની ખંડપીઠે રાજયો દ્વારા જે રીતે સર્વોચ્ચ અદાલતમાં આદેશની પણ અવગણના થઈ તેના પર નારાજગી દર્શાવી હતી.
સુપ્રીમકોર્ટે અગાઉની સુનાવણી સમયે શેરીઓમાં રખડતા કુતરાઓની નસબંધી અને નપુંસકતાની દવા આપ્યા બાદ જ તેમને છોડી મુકવા રાજયોને જણાવ્યું હતું પણ ગુજરાત સહિતના રાજયોએ સુપ્રીમમાં પણ સોગંદનામુ દાખલ કર્યુ ન હતું.

