New Delhi,તા.27
દિલ્હીના તિમારપુરમાં છઠ્ઠી ઓક્ટોબરના રોજ UPSCની તૈયારી કરતા વિદ્યાર્થી રામકેશ મીણાની ક્રૂર હત્યાના સનસનાટીભર્યા કેસનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે મૃતકની લિવ-ઇન પાર્ટનર અને તેના પૂર્વ બોયફ્રેન્ડ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા અને તપાસને ગેરમાર્ગે દોરવા માટે મૃતદેહને આગ લગાવી દીધો હતો.
પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, આ કેસમાં 21 વર્ષીય ફોરેન્સિક સાયન્સની વિદ્યાર્થિની અમૃતા ચૌહાણ, 27 વર્ષીય સુમિત કશ્યપ અને 29 વર્ષીય સંદીપ કુમારની ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાંથી ધરપકડ કરવામાં આવી છે.
અહેવાલો અનુસાર, ત્રણેય આરોપીઓએ કથિત રીતે 32 વર્ષીય પીડિત રામ કેશ મીણાનું ગળું દબાવીને હત્યા કરી હતી. હત્યા બાદ આરોપીઓએ મૃતદેહ પર તેલ, ઘી અને દારૂ રેડીને આગ લગાવી દીધી હતી. એટલું જ નહીં, તેણે ફ્લેટમાં એલપીજી સિલિન્ડરનું રેગ્યુલેટર પણ ખોલી નાખ્યું હતું, જેથી હત્યાને આગના અકસ્માત તરીકે દર્શાવી શકાય. પ્રારંભમાં પોલીસે ગાંધી વિહારના ફ્લેટમાંથી મળેલો સળગેલો મૃતદેહ જોઈને આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો.
પોલીસને ફ્લેટમાં આગ લાગવાના અહેવાલ બાદ સીસીટીવી ફૂટેજ મળ્યા, જેમાં સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો. સીસીટીવીમાં ઘટનાના દિવસે બે માસ્ક પહેરેલા યુવકો ઈમારતમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. તેમાંથી એક યુવક લગભગ 39 મિનિટ પછી બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ અમૃતા ચૌહાણ અને અન્ય યુવક પરિસરમાંથી બહાર નીકળ્યા અને તરત જ ફ્લેટમાં આગ લાગી, જેનાથી પોલીસને શંકા ગઈ.પોલીસે અમૃતાની ઓળખ કરી અને 18મી ઓક્ટોબરે મુરાદાબાદમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા બાદ તેની ધરપકડ કરી. તેણે ગુનો કબૂલ્યા બાદ 22મી ઓક્ટોબરે સુમિત કશ્યપ અને 23મી ઓક્ટોબરે સંદીપ કુમારની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ત્રણેય સામે હત્યા, ગુનાહિત કાવતરું અને આગ અથવા વિસ્ફોટક પદાર્થથી ઇજા પહોંચાડવા સંબંધિત ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી હાર્ડ ડિસ્ક, ટ્રોલી બેગ અને પીડિતાનો શર્ટ પણ જપ્ત કર્યા છે

