New Delhi,તા.28
બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડા `મોથા’ બહું ઝડપથી દેશના તટીય ક્ષેત્ર ઓડીસા-પ.બંગાળ અને આંધ્રપ્રદેશના જમીની પ્રદેશ સાથે ટકરાશે અને તે સમયે 100 કી.મી.ની ગતિના પવન સાથે ભારે વરસાદ તથા સમુદ્રી લહેરો કિનારાના ક્ષેત્રોમાં ઘુસવાનો ભય છે.
વાવાઝોડુ `મોથા’ વધુને વધુ ખતરનાક બનતુ જાય છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ વાવાઝોડુ મોથા આજે સાંજ સુધીમાં કે વહેલી રાત્રીના આંધ્રપ્રદેશના મછલીપટ્ટામ અને કાલિંગપટ્ટનમની વચ્ચે કાકીવાડાના ક્ષેત્રમાં `હીટ’ કરશે. આ વાવાઝોડાની અસર હેઠળ આ રાજયોના કિનારાના ક્ષેત્રમાં ભારે વરસાદ શરૂ થયા છે.
રાજય સરકારોએ સાવચેતીના ભાગરૂપે કિનારાના ક્ષેત્રોમાંથી હજારો લોકોને સલામત સ્થળો પર ખસેડી લીધા છે તથા દરિયામાં ગયેલા માછીમારી સહિતની બોટોને પણ પરત બોલાવી લીધી છે. સંભવત વાવાઝોડાગ્રસ્ત ક્ષેત્રમાં એનડીઆરએફ તથા એસ.ડી.આર.એફ.ની ટીમો તૈનાત કરી દેવાઈ છે.
આ તોફાની અસર તામિલનાડુ-પોંડુચેરીમાં પણ થશે. વિજયવાડા સહિતના ક્ષેત્રોની હવાઈ સેવા બંધ કરાઈ છે. રેલવેને પણ સાંજ બાદ સલામત સ્ટેશન પર રોકી દેવામાં આવશે.
તો બીજી છેક દિલ્હી સુધી આ વાવાઝોડાની અસર હેઠળ વરસાદની શકયતા દર્શાવાઈ છે તો ઉત્તરપ્રદેશ-બિહાર સહિતના રાજયોમાં વાદળો સાથે હવામાનમાં ફેરફાર દેખાશે.
ઓડીસાના 9 જીલ્લામાં રેડ એલર્ટ જારી થયુ છે અને સમગ્ર ક્ષેત્રમાં 2-3 દિવસ ભારે વરસાદ અને દરિયો તોફાની રહેશે તેવી ચેતવણી અપાઈ છે. આંધ્રના 23 જીલ્લાઓમાં વાવાઝોડાની અસર દેખાશે.

