Amreli,તા.28
રાજુલા ગામે જાફરાબાદ રોડ ઉપર આવેલ હોટલ પ્રેસીડેન્ટની સામે, બંધન બેંક વાળી શેરીમાં રહેતા અને આલ્ફા દેવરાજ રીન્યુબલ એલ.એલ.પી.માં સ્ટોર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા નસરૂભાઇ દાઉદભાઇ દોસાણીની કંપનીના સ્ટોરને એક બાજુથી દીવાલ તથા બીજી તરફથી તાર ફેન્સીંગથી બંધ કરેલ છે. અને આવવા જવા માટે માત્ર એક ગેટ રાખેલ છે.
તે કંપનીની માલીકીના સ્ટોરમાંથી ગત તા.23 ના રોજ ધોળા દિવસે10 થી 12/30 વાગ્યા દરમ્યાન સોલાર પ્લેટમાં ઉપયોગમાં લેવાનો પોલીકેપ કંપનીના 2000 મીટરના ડ્રમમાંથી કોપરનો વાયર આશરે 500 મીટર કિમત રૂપિયા 35,000 નો કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ રાજુલા પોલીસમાં નોંધાય હતી.
જે અન્વયે રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પે. એ.ડી.ચાવડાની સુચના અને જરૂરી માર્ગદર્શંન હેઠળ ચોરી થયેલ મુદામાલની તપાસ દરમિયાન ગુન્હાને અંજામ આપી નાસી ગયેલ આરોપીઓ અંગે રાજુલા પોલીસ ટીમને મળેલ ચોક્કસ બાતમી તથા ટેક્નીકલ તથા હ્યુમન સોર્સ આધારે રાજુલા ટાઉન વિસ્તારમાંથી આ બનાવમાં ચોરીમાં ગયેલ લાલ તથા કાળા રંગનો પોલીકેબ કંપનીનો કેબલ વાયર 500 મીટર કિમત રૂપિયા 35,000 તથા એક છકડો રિક્ષા નંબર-GJ-14-U-3543 કિમત રૂપિયા 40,000 મળી રૂપિયા 75 હજારના મુદામાલ સાથે રાજુલા ગામે તત્ત્વ જયોતિ વિસ્તારમાં રહેતા અને હાલ છતડીયા વાળા આરોપી દિલીપભાઇ મોહનભાઇ ચુડાસમા તથા પ્રદિપભાઇ મોહનભાઇ ચુડાસમા તેમજ મધુબેન મોહનભાઇ નાનજીભાઇ ચુડાસમા તથા મનીષાબેન દિલીપભાઇ મોહનભાઇ ચુડાસમા સહિત એક જ પરિવારના બે પૂરૂષ તથા બે સ્ત્રીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડી ચોરીની ભેદ રાજુલા પોલીસે ઉકેલી નાંખ્યો હતો.

