Surendranagar, તા.28
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોની હડતાલને કારણે સર્જાયેલી ગંદકીની સમસ્યાએ સમગ્ર શહેરને બાનમાં લીધું છે. ત્યારે નાગરિકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે. મનપાના બેદરકાર વલણ અને સફાઈ વ્યવસ્થાપનની પોકળ વાતોથી ત્રસ્ત થયેલા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે.
શહેરના અનેક રહેણાંક સોસાયટી વિસ્તારોમાં તેમજ મુખ્ય જાહેર રસ્તાઓ પર કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે. સફાઈના અભાવે આ ઢગલા હવે માત્ર ગંદકીનો જ નહીં, પરંતુ રોગચાળાનું કેન્દ્ર બન્યા છે. મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા અંગે કરવામાં આવતી વાતો અને સફાઈના દાવાઓ સામે લોકો હવે સીધો સવાલ ઉઠાવી રહ્યા છે.
વળી, કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાથી સ્થિતિ વધુ વણસી છે. વરસાદના કારણે કચરાના ઢગલામાંથી દુર્ગંધ અને ગંદુ પાણી આસપાસના વિસ્તારોમાં ફેલાયું છે. પરિણામે મચ્છરો અને જીવાણુઓનો ઉપદ્રવ વધ્યો છે. આ સીધી અસર નાગરિકોના જનઆરોગ્ય પર પડી રહી છે. તહેવારો ટાણે જ આવી સ્થિતિ ઊભી થતાં લોકોમાં બીમારીઓ ફેલાવાનો ભય વધ્યો છે.
મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારો પગાર, બોનસ, અને અન્ય હક્કોના વિવાદને કારણે હડતાળ પર ઉતરી જતા સ્થિતિ સર્જાઈ છે. શહેરના અનેક વિસ્તારોના મુખ્ય રોડ હવે ગંદકીના સામ્રાજ્યમાં પરિવર્તિત થઈ ગયા છે, જ્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. મનપાએ તાત્કાલિક અસરથી સફાઈ કામદારોની સમસ્યાનો ઉકેલ લાવી, યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરાવવાની સ્થાનિકોમાં માંગ ઉઠી છે.

