New Delhi,તા.28
OpenAI દ્વારા ચેટજીપીટી ગો વર્ઝનને ભારતીયો માટે એક વર્ષ માટે ફ્રી કરવામાં આવ્યું, જાણો ક્યારથી ઉપયોગ કરી શકશો… OpenAI દ્વારા ચેટજીપીટીના ગો વર્ઝનને ભારતીયો માટે એક વર્ષ માટે ફ્રીમાં કરવામાં આવ્યું છે. આ ઓફરનો ઉપયોગ યુઝર્સ 4 નવેમ્બરથી કરી શકશે. OpenAI એ દિવસે બેંગલોરમાં તેમની પહેલી DevDay એક્સચેન્જ ઇવેન્ટ કરી રહ્યું છે. ભારતમાં OpenAI તેમના યુઝર્સ વધારવા માટે આ સ્ટ્રેટેજી અપનાવી રહ્યું છે. ચેટજીપીટી માટે દુનિયામાં ભારત બીજા ક્રમનું સૌથી મોટું માર્કેટ છે.
ચેટજીપીટી ગો એક પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન છે જેને ભારતમાં ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. એમાં મેસેજ કરવાની લિમિટ વધુ છે. તેમ જ રોજના ઇમેજ જનરેટ કરવાની અને અપલોડ કરવાની લિમિટ પણ ફ્રી વર્ઝન કરતાં વધુ છે. પર્સનલાઈઝ રિસ્પોન્સ માટે ચેટજીપીટી યુઝર્સની ચેટને સેવ રાખે છે. આ સેવ કરવાની લિમિટ પણ ફ્રી વર્ઝન કરતાં પેઈડ વર્ઝનમાં વધુ છે. આ સર્વિસ જ્યારે શરૂ કરવામાં આવી ત્યારથી આજ સુધી એની કિંમત મહિનાના 399 હતી. જોકે ભારતીય યુઝર્સ માટે હવે એને એક વર્ષ માટે ફ્રી કરી દેવામાં આવ્યું છે. જોકે એની શરૂઆત 4 નવેમ્બરથી શરૂ થશે.
OpenAIના વાઇસ પ્રેસિડન્ટ અને ચેટજીપીટીના હેડ નિક ટર્લી દ્વારા કહેવામાં આવ્યું છે કે ચેટજીપીટી ગો જ્યારથી લોન્ચ થયું ત્યારથી લઈને ભારતીયોમાં ચેટજીપીટીનો ઉપયોગ વધી રહ્યો છે અને તેમની ક્રિએટિવિટી પણ કાબિલેદાદ છે. કંપની હવે ભારતીય યુઝર્સ માટે એક વર્ષ માટે ચેટજીપીટી ગોને ફ્રી કરી રહી છે. એનાથી ભારતના દરેક યુઝર્સ એડવાન્સ AIનો ઉપયોગ કરી શકશે. સરકારના IndiaAI મિશન હેઠળ OpenAI દ્વારા આ પગલું ભર્યું છે. તેઓ ભારતના મિશનને સપોર્ટ કરી રહ્યાં છે.
OpenAI હાલમાં એડટેક પ્લેટફોર્મ, સિવિલ સોસાયટી ઓર્ગેનાઈઝેશન્સ અને સરકાર સાથે વાતચીત કરી રહ્યું છે. તેઓ હવે AI ટૂલ ભારતમાં બનાવવામાં આવે એ વિશે ચર્ચા કરી રહ્યાં છે. OpenAI દ્વારા એ વાતની પણ જાહેરાત કરવામાં આવી છે કે તેઓ નવી દિલ્હી અને બેંગલોરમાં તેમની નવી ઓફિસ ખોલવા જઈ રહ્યાં છે. તેમની હરિફ કંપની એન્થ્રોપિક દ્વારા પણ ત્યાં ઓફિસ ખોલવામાં આવી રહી છે. OpenAI ભારતમાં જે ઝડપથી વિકાસ કરી રહ્યું છે એને ધ્યાનમાં રાખીને જ ભારતમાં ઓફિસ ખોલવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.

