Surat,તા.28
સુરતમાં એક એવો ચમત્કાર થયો છે, જેણે ડોક્ટરોને પણ ચોંકાવી દીધા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, ન્યૂ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક દર્દીના ધબકાર સંપૂર્ણપણે બંધ થઈ ગયા હતા.
ડોક્ટરોએ તેને બચાવવાના તમામ પ્રયાસ કર્યા પરંતુ અસફળ રહ્યા અને બાદમાં દર્દીને મૃત જાહેર કરી દીધો પરંતુ, આશરે 15 મિનિટ બાદ તેનું હૃદય ફરીથી ધબકવા લાગ્યું. આ ઘટના હવે આખા સુરતમાં ચર્ચાનો વિષય બની છે.
મળતી માહિતી મુજબ, અંકલેશ્વર નિવાસી 45 વર્ષીય રાજેશ પટેલને ગંભીર સ્થિતિમાં સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ડોક્ટરે જણાવ્યું કે, તેને ગંભીર હાર્ટ ફેલ્યોરની સમસ્યા હતી. સારવાર દરમિયાન અચાનક તેનું હૃદય બંધ થઈ ગયું અને ઈસીજી મોનિટર પર સીધી લાઇન દેખાવા લાગી.
ટીમે CPR અને દવાઓ દ્વારા તેનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોઈ પ્રતિક્રિયા ન મળી. ત્યાર બાદ ટીમે રાજેશ પટેલને મૃત જાહેર કરી દીધો હતો. ચોંકાવનારી વાત એ છે કે, આશરે 15 મિનિટ બાદ એવું થયું જેની કોઈ આશા જ નહતી. મોનિટર પર અચાનક હાર્ટબીટ દેખાવા લાગી અને દર્દીના શરીરમાં હલન-ચલન શરૂ થયું. હાજર ડોક્ટર્સે તુરંત જ રાજેશને ફરી ICUમાં શિફ્ટ કરી અને સારવાર શરૂ કરી દીધી.
સુરત સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર (CMO) ડો. ઉમેશ ચૌધરીએ કહ્યું કે, ‘મારા 30 વર્ષના કરિયરમાં મેં પહેલીવાર આવું જોયું કે, ‘સ્ટ્રેટ લાઇન’ દર્દીના ધબકારા આપમેળે ફરી પાછા શરૂ થઈ ગયા હોય. આ મેડિકલ સાઇન્સમાં ખૂબ જ દુર્લભ ઘટના છે. જોકે, દર્દીની સ્થિતિ હજુ પણ ખૂબ નાજુક છે અને તેમને ICUમાં વિશેષ ઑબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.’

