Rajkot તા.28
રાજકોટ શહેરમાં આજે સતત ત્રીજા દિવસે પણ સવારથી જ વરસાદી માહોલ વચ્ચે બપોર સુધીમાં 0॥ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. શહેરમાં આજે અમુક વિસ્તારોમાં હળવા તો નવા રાજકોટનાં વિસ્તારોમાં ધોધમાર ઝાપટા વરસી ગયા હતા. આથી રોડ-રસ્તાઓ ઉપરથી પાણી વહી ગયા હતા. ખાસ કરીને બપોરે દોઢેક વાગ્યાનાં અરસામાં અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
દરમ્યાન રાજકોટ ફાયર બ્રિગેડનાં જણાવ્યા મુજબ આજે બપોરે 7થી બપોરનાં બે વાગ્યા સુધીમાં વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 0॥ ઈંચ (16 મી.મી.) વરસાદ વરસ્યો હતો. જયારે, સેન્ટ્રલ ઝોનમાં 7 અને ઈસ્ટ ઝોનમાં 6 મી.મી. સાથે હળવા-ભારે ઝાપટા વરસ્યા હતા.
આ ઉપરાંત આજનાં વરસાદ સાથે રાજકોટમાં મોસમનો કુલ વરસાદ 37.52 ઈંચ થયો છે. ફાયરબ્રિગેડનાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઝોનમાં અત્યાર સુધીમાં 892, ઈસ્ટમાં 692 અને વેસ્ટ ઝોનમાં 938 મી.મી. કુલ વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં એક સાથે ત્રણ સીસ્ટમ સર્જાઈ છે અને આ લોપ્રેશરની અસર હેઠળ રાજયભરમાં હળવો-ભારે વરસાદ સતત ત્રણ-ચાર દિવસથી વરસી રહ્યો છે.
રાજકોટ શહેરમાં પણ સતત ત્રણ દિવસથી હળવો વરસાદ વરસી રહ્યો છે. સૂર્યદેવતાનાં દુર્લભ દર્શન વચ્ચે ઝડપી પવન સાથે શહેરમાં એકધારો વરસાદ વરસી રહ્યો હોય સમગ્ર શહેરીજનો ટાઢોડુ અનુભવી રહ્યા છે અને હિલસ્ટેશન જેવું વાતાવરણ સર્જાયુ છે.
સવારથી રાત્રી સુધી ચોમાસુ અને શિયાળુ માહોલ છવાયેલો રહે છે. વરસાદ અને ઠંડી સાથે ડબલ ઋતુનો અનુભવ નગરજનો કરી રહ્યા છે. આ ડબલ ઋતુનાં કારણે હાલ એ.સી. અને પંખાનો વપરાશ પણ મહતમ ઘટી જવા પામ્યો છે.
દરમ્યાન આજે પણ સવારથી ટાઢોડુ અને હળવા વરસાદ વચ્ચે શહેરમાં સવારે 8.30 કલાકે 24 ડીગ્રી અને લઘુતમ તાપમાન 22.6 ડીગ્રી નોંધાયુ હતું. જયારે, સવારે હવામાં ભેજ 98 ટકા રહ્યો હતો અને પવનની ઝડપ 6 કી.મી. સરેરાશ રહેવા પામી હતી. દરમ્યાન આજરોજ પણ રાજકોટમાં વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપેલ છે.

