Rajkot, તા. 28
રાજકોટ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સંભાળવામાં આવતા અને ખેલકૂદથી ધમધમતા સમગ્ર રેસકોર્સ સંકુલના નવનિર્માણનું આયોજન હાથ પર લેવામાં આવી રહ્યું છે. મ્યુનિ. કમિશ્નર તુષાર સુમેરા દ્વારા સમગ્ર રેસકોર્સ પરીસર રીનોવેશનનો માસ્ટર પ્લાન હાથ પર લેવામાં આવ્યો છે. પરંતુ હજુ સંપૂર્ણ આયોજન તૈયાર કરાયા બાદ એસ્ટીમેટથી માંડી કેટલા કેટલા સુધારા વધારા કરવા તેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું છે. આ માટે 50 કરોડ જેટલા ખર્ચનો અંદાજ મુકાયો છે.
મનપા દ્વારા નવા રીંગ રોડ પર સ્માર્ટ સીટી, અટલ સરોવરના નિર્માણ કરવામાં આવ્યા છે. પરંતુ રેસકોર્સ રીંગ રોડ રાજકોટના લોકોનું હૃદય રહેલું જ છે. ક્રિકેટ સ્ટેડીયમ, હોકી અને ફુટબોલ ગ્રાઉન્ડ, એથ્લેટીક ટ્રેક, ઇન્ડોર સ્ટેડીયમ સહિતની રમત-ગમતોની સુવિધા છે. મેળાના મેદાનમાં ક્રિકેટ રમવા બાળકો અને યુવાનો ઉમટી પડે છે. મહિલા ગાર્ડન સહિતના અલગ અલગ બગીચા રહેલા છે.
પરંતુ ઘણા ભાગ હવે રીનોવેશન માંગી રહ્યા છે. ભુતકાળમાં રેસકોર્સના નવનિર્માણની વાતો થઇ હતી. પરંતુ બજેટનો અંદાજ ખુબ ઉંચો આવ્યો હતો. એક સમયે તો રોજ સવારે રેસકોર્સ રીંગ રોડ ફરતે વન-વેમાં રાખવામાં આવતો વોકીંગ ટ્રેક પણ રેસકોર્સની દિવાલ અંદર લઇ જવા પણ વિચાર થયો હતો. પરંતુ આ મોટુ આયોજન હજુ આગળ વધી શકયું નથી. કોર્પો. દ્વારા હાલ અનેક પ્રોજેકટ ચાલે છે. તેની સાથે રેસકોર્સ રીંગ રોડ ડેવલપમેન્ટનો વિચાર પણ આગળ વધારવામાં આવ્યો છે.
મહાપાલિકા દ્વારા હાલ શહેરમાં ત્રણ નવા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે જેમાં સ્માર્ટ સિટી એરિયામાં વર્કિંગ વુમન્સ હોસ્ટેલ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ તેમજ રેસકોર્સં રિનોવેશનનો સમાવેશ છે. વર્કિંગ વુમન્સ હોસ્ટેલનું ટેન્ડર પ્રસિધ્ધ થયુ છે, પીએમયુની સ્થાપના બાદ તેના મહેકમ માટે 35 ઇજનેરોની 11 માસના કોન્ટ્રાક્ટ બેઝથી ભરતી કરવાની પ્રક્રિયાને મંજૂરી મળી છે.
હવે ટૂંક સમયમાં રેસકોર્સનું રિનોવેશન આયોજન હાથ ધરાશે. રેસકોર્સ રિનોવેશન પ્રોજેક્ટનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી ફાઇનલ પ્લાન ઘડાયો નથી. ઇજનેરો દ્વારા કયાં કયાં જરૂરી સુધારા અને ઉમેરા કરવા તેના વિચાર ચાલી રહ્યા છે.
વર્ષ 2011થી 2013ના સમયગાળામાં રેસકોર્સમાં બાસ્કેટ બોલ, ફૂટબોલ, ટર્ફ હોકી સહિત રમત ગમતના મેદાનોનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું, જ્યારે 2014 અને 2015માં એથ્લેટિક ટ્રેકનું નિર્માણ કરાયું હતું. 2015 પછી તબક્કાવાર જેમ જરૂરિયાત જણાય તેમ હોકી અને ફૂટબોલ ગ્રાઉન્ડમાં પ્રેક્ષકો બેસીને મેચ નિહાળી શકે તે માટે વ્યૂઇંગ ગેલેરીનું નિર્માણ, ઇન્ડોર સ્ટેડિયમનું રિનોવેશન કરાયું હતું.
જોકે વ્યુઇંગ ગેલેરીનું કામ હજુ પુરૂ થયું નથી. રેસકોર્સમાં ફ્લાવર શો કરવામાં આવ્યો હતો અને ફલાવર સ્ટ્રીટ પણ બનાવવામાં આવી છે. વર્ષોથી બાલભવન અને આર્ટ ગેલેરી પણ આકર્ષણ રૂપ છે. ડેકોરેટીવ લાઇટીંગ માટે નવા ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે.
ગત વર્ષે રેસકોર્સ સ્વિમિંગ પૂલનું રિનોવેશન અને માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. હવે ફ્ક્ત રંગ રોગાન કે ડેકોરેશન કે વૃક્ષારોપણ નહીં પરંતુ રેસકોર્સ સંકુલમાં સમયને અનુરૂપ આધુનિક એવા નવા આકર્ષણો ઉમેરવા તૈયારી છે.
રેસકોર્સમાં સૌથી મોટો ભાગ મેળાના મેદાનનો છે. અગાઉ આ ભાગ ફરતે ગ્રીનરી વધારવા વિચાર થયો હતો. રેસકોર્સના અલગ અલગ ગાર્ડનની હાલત હજુ સુધારી શકાય તેમ છે. થોડા સમય પહેલા ચબુતરા સામેનો સંપૂર્ણ ભાગ ખાલી કરાવવામાં આવ્યો છે.
આ જગ્યામાં અગાઉ સ્પોર્ટસ ફિયેસ્ટા ફેસ્ટીવલ યોજવામાં આવ્યો હતો. હવે આ નાની જગ્યા સહિત રેસકોર્સ સંકુલમાં કેટલા કેટલા ડેવલપમેન્ટ કરવા તેની બ્લુ પ્રિન્ટ ટુંક સમયમાં તૈયાર થશે તેવું અધિકારીઓએ કહ્યું હતું.

