New Delhi, તા.29
આંધ્રપ્રદેશના દરીયા કિનારા પર ત્રાટકેલા મોન્થા વાવાઝોડાએ મોટી તારાજી સર્જી હતી. વૃક્ષો ધરાશાયી થવા ઉપરાંત વિજ થાંભલાઓ ઉખડી ગયા હતા.લાખો હેકટરમાં કૃષિપાક નષ્ટ થયો હતો. ત્રણ લોકોના મોત નિપજયા હતા.
આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થતા અનેકભાગો જળબંબાકાર બન્યા હતા.ઓડીશા, ઝારખંડ, તામીલનાડુ તથા પશ્ચિમ બંગાળ સુધી તેની અસર વર્તાઈ હોય તેમ તેજ પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગનાં રિપોર્ટ પ્રમાણે 90 થી 100 કીમીની ઝડપના પવન સાથે મોન્થા વાવાઝોડુ ત્રાટકયુ હતું. ઝટકાનાં પવનની ગતિ 110 કીમી સુધી પહોંચી હતી.મધરાત બાદ તે આંધ્રના કાંઠાળ ભાગો પરથી પસાર થઈને નબળુ પડી ગયુ હતું. જોકે તેના પ્રભાવ હેઠળ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો અને હજુ વરસાદી દોર યથાવત રહેવાની સંભાવના છે.
100 કીમીની ઝડપ સાથે ભારે વરસાદને કારણે આંધ્રપ્રદેશમાં ભારે તારાજી સર્જાઈ હતી. સેંકડો ઝાડ ઉખડી ગયા હતા વિજ થાંભલાઓ જમીનદોસ્ત થતા વિજળી પુરવઠો ખોરવાઈ ગયો હતો. મકાન પર ઝાડ પડવા જેવી દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત નિપજયા હતા.
રાજય સરકારે સાવચેતીનાં ભાગરૂપે નાઈટ કરફયુ લાગુ કર્યો હતો. વાવાઝોડાથી જાનમાલની ખુવારી રોકવા માટે શ્રેણીબદ્ધ પગલા લેવાયા હતા. ટ્રેન-વિમાની વ્યવહાર પણ અટકાવાયો હતો. વાવાઝોડુ પસાર થઈ ગયા બાદ આજથી પૂર્વવત કરવામાં આવ્યો હતો. વાવાઝોડા-વરસાદમાં હજારો હેકટર જમીનમાં કૃષિ પાક સાફ થઈ ગયો હતો.
વાવાઝોડા-વરસાદની અસર આંધ્રપ્રદેશ સિવાયના અનેક રાજયોમાં પણ થઈ હતી. ઓડીશા પણ ધમરોળાયુ હતું. અનેક સ્થળોએ ભૂસ્ખલન થયા હતા જેને પગલે અનેક વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા હતા.10 હજાર લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યુ હતું.
વાવાઝોડા-વરસાદ વચ્ચે આંધ્ર-ઓડીસા સહિતના રાજયોમાં સ્કુલો બંધ રાખવામાં આવી હતી. દરીયામાં 10 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા અને આસપાસની સંપતિઓ-મિલકતોને ભારે નૂકશાન થયુ હતું. આંધ્ર-ઓડીશા તથા તામીલનાડુમાં ભારે વરસાદથી સંખ્યાબંધ ફલાઈટો રદ કરવામાં આવી હતી.
આંધ્રપ્રદેશનાં કાંઠે ટકકર બાદ વાવાઝોડાની અસર અનેક રાજયો પર પડી હતી. ઓડીશા, તેલંગાણા, ઝારખંડ, છતીસગઢમાં ભારે વરસાદથી જનજીવન ઠપ્પ બન્યુ હતું. ઉતરપ્રદેશ, બિહાર સુધીનાં રાજયોમાં તેનો પ્રભાવ વર્તાયો હતો
ઓડીશામાં પણ વિજ સપ્લાય ખોરવાવા સાથે ઝાડ પડવા સહીતનાં ઘટનાક્રમો થયા હતા. હવામાન વિભાગ દ્વારા ઓડીશાનાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.

