Mumbai,તા.29
અનિલ અંબાણીના વડપણ હેઠળના રીલાયન્સ ગ્રુપ તથા યસ બેંક વચ્ચેના નાણાં વ્યવહારોની સીબીઆઈ તપાસમાં એવો ખુલાસો થયો છે કે બનાવટી કંપનીઓના નેટવર્ક મારફત નાણાં તથા કોમર્સીયલ પેપરનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો.
સીબીઆઈએ ખાસ અદાલતમાં ફાઈલ કરેલા ચાર્જશીટમાં તેનો ધડાકો કરવામાં આવ્યો હતો. ચાર્જશીટમાં એવો આરોપ મુકવામાં આવ્યો છે કે યસ બેંકના પુર્વ સીઈઓ રાણાકપુર તથા અનિલ અંબાણીએ કરેલા નાણાંકીય વ્યવહારો ગુન્હાહીત કાવતરાના ભાગરૂપે હતો અને તેનાથી બેંકને ઘણુ આર્થિક નુકશાન થયુ હતું.
આ કેસમાં એનફોર્સમેન્ટ ડીરેકટોરેટ પણ સમાંતર તપાસ કરી રહ્યું છે. યસ બેંકના સીઈઓ તરીકે રાણાકપુર હતા ત્યારે આ નાણાંકીય વ્યવહારો થયા હતા. રિઝર્વ બેંકની દરમ્યાનગીરી બાદ મેનેજમેન્ટ બદલવામાં આવ્યું હતું. રાણાકપુર સામે મનીલોન્ડરીંગ સહિત અનેક આરોપો છે અને હાલ તે જામીનમુક્ત છે.
સીબીઆઈ તપાસની વિગતો મુજબ જુન 2008 તથા ફેબ્રુઆરી 2019માં રિલાયન્સ હોમ ફાઈનાન્સના કોમર્સીયલ પેપરમાં 1965 કરોડનું રોકાણ કર્યુ હતું. મોટાભાગના નાણાં ચુકવી દીધા હતા છતાં સપ્ટેમ્બર 2018ના 360 કરોડ બાકી રહી ગયા હતા. આ જ સમયે રિલાયન્સ કોમર્સીયલ ફાઈનાન્સે યસ બેંક મારફત 640 કરોડ એકત્રીત કર્યા હતા.
અનિલ અંબાણીની બન્ને કંપનીના નાણાં મેળવવા માટે જ બનાવટી કંપનીઓ ઉભી કરવામાં આવી હતી. 17 સપ્ટેમ્બર 2017ના રોજ રિલાયન્સ હોમ ફાઈનાન્સને 327 કરોડનુ રોકાણ મળ્યુ હતું તેમાંથી 150 કરોડ યુટીઆઈ લીકવીડ ફંડની ચુકવણીમાં ઉપયોગમાં લેવાયા હતા. બાકીના નાણાં કોઈપણ ધંધો નહીં કરતી અને માત્ર એક લાખની મુડી ધરાવતી ગણેશ ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ પ્રા.લી.માં રોકાણ માટે વપરાયા હતા.
200 કરોડ જેવી જંગી લોન મેળવવા કંપની પાત્ર પણ ન હતી છતાં અનિલ અંબાણીની સુચનાથી આ વ્યવહાર થયો હતો. કર્મચારીઓ જ બનાવટી કંપનીનુ સંચાલન કરતા હતા. આ 200 કરોડ પછી રિલાયન્સ કેપીટલમાં ટ્રાન્સફર થયા હતા.

