Ahmedabad તા.29
ગુજરાતના પ્રવાસન વિકાસમાં દારૂબંધી વિઘ્નરૂપ હોવાના દાવા વચ્ચે સરકાર દ્વારા બીજા રાજયો-વિદેશી પ્રવાસીઓને છૂટછાટ આપી જ છે હવે તેમાં પ્રક્રિયા વધુ સરળ બનાવવા ચક્રો ગતિમાન કરાયા છે.
ગુજરાત બહારના પ્રવાસીઓને દારૂની પરમીટ ઓનલાઈન મળી રહે તે માટે ખાસ મોબાઈલ એપ વિકસાવવામાં આવી છે જેનું પરિક્ષણ સફળ થયુ છે અને આગામી મહિનેથી તે અમલી બનવાની શકયતા છે.
રાજય સરકારનાં સુત્રોએ કહ્યું કે મોબાઈલ એપની ટ્રાયલ રન સફળ બની છે અને બે સપ્તાહમાં શરૂ કરી દેવાનો ટારગેટ છે.અંગ્રેજી, હિન્દી તથા ગુજરાતમાં મોબાઈલ એપ સુવિધા ઉપલબ્ધ થશે.
દારૂની ઓનલાઈન પરમીટ માટે પ્રવાસીએ મોબાઈલ એપમાં આધારકાર્ડ જેવા ઓળખના દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે અને તેના આધારે ઓનલાઈન પરમીટ મળી જશે. ત્યારબાદ પ્રવાસી કોઈપણ દારૂની અધિકૃત દુકાનેથી ખરીદી કરી શકશે. ઓનલાઈન પેમેન્ટ પણ કરી શકશે.ગીફટ સીટીમાં પરમીટ હોલ્ડરો પણ તેનો ઉપયોગ કરી શકશે.
પ્રવર્તમાન નિયમો હેઠળ પ્રવાસીએ શરાબ મેળવવા અધિકૃત દુકાને જઈને ફોર્મ ભરવાની સાથોસાથ જરૂરી દસ્તાવેજ સોંપવાનાં હોય છે તેની ચકાસણી બાદ પરમીટ ઈસ્યુ થાય છે.તેમાં ઘણો સમય લાગી જાય છે. નવી સીસ્ટમમાં માત્ર મોબાઈલથી જ પરમીટ ઈસ્યુ થઈ જશે. પ્રવાસી આધારકાર્ડ, મતદાર કાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ પાસપોર્ટ અથવા ઓળખ માટે નિયત 10 માંથી કોઈપણ દસ્તાવેજ અપલોડ કરી શકશે. ચકાસણી તથા પરમીટ પણ ઓનલાઈન થઈ જશે.
ગૃહવિભાગના સીનીયર અધિકારીએ કહ્યું કે અત્યારે રોકડ અથવા ચલણમાં પેમેન્ટ કરવુ પડે છે તેના બદલે પ્રવાસી યુપીઆઈ અથવા કાર્ડથી પેમેન્ટ કરી શકશે.
તેઓએ ઉમેર્યું કે દારૂની પરમીટ મેળવવામાં ભારે તકલીફ વેઠવી પડતી હોવાની પ્રવાસીઓની રજુઆત બાદ નવી સીસ્ટમ વિકસાવવામાં આવી છે.ગીફટ સીટીનાં પરમીટ હોલ્ડરો માટે પણ પ્રક્રિયા સરળ કરાઈ છે.જેમાં તેઓએ નોકરી કરતી કંપનીઓના પ્રમાણપત્રની જોગવાઈ રદ કરવામાં આવી છે.

