Islamabad,તા.29
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે થયેલા યુદ્ધ વિરામ અને શાંતિ સમજુતી બાદ હવે અમેરિકાના પ્લાન મુજબ બન્ને સેનાઓ વચ્ચે અથડામણ અટકાવવા `બફર’ તરીકે ઈન્ટરનેશનલ સ્ટેબીલાઈઝેશન ફોર્સ આંતરરાષ્ટ્રીય સ્થિરતા દળોમાં પાકિસ્તાની સેનાના 20000 જવાનોને ગાઝામાં તૈનાત કરવાની તૈયારીની સમગ્ર વિવાદને એક નવો વળાંક મળ્યો છે અને તે નિર્ણય પાક માટે પણ ખતરનાક બની શકે છે તેવો અભિપ્રાય દર્શાવવામાં આવી રહ્યો છે.
અમેરિકાની ચાપલૂસી કરવા માટે સતત તૈયાર રહેલા પાક સૈન્યના વડા જનરલ અસીમ મુનીરને આ માટે અમેરિકી ગુપ્તચર એજન્સી સીઆઈએએ મનાવી લીધા હોવાનું માનવામાં આવે છે. ગાઝામાં ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પાક. સેનાના જવાનો તૈનાત કરવા અમેરિકાનો પ્લાન છે.
જનરલ મુનીર અને અમેરિકી એજન્સી સીઆઈએ તથા ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી `મોસાદ’ વચ્ચે બેઠક યોજાઈ હતી. તેમાં આ નિર્ણય લેવાયો હતો અને ઈઝરાયેલ વડાપ્રધાને પણ તેને મંજુરી આપતા હવે એ પ્રથમ વખત બનશે કે પશ્ચીમ એશિયામાં શાંતિ સમજુતીમાં પાકિસ્તાનની ભૂમિકા મહત્વની બની જશે.
જો કે પાકના રાજકીય નેતૃત્વમાં આ અંગે મતભેદ હોવાનું બહાર આવ્યુ છે પણ જનરલ મુનીરનો નિર્ણય સ્વીકારાયો છે. ગાઝાના એક યુદ્ધ વિરામ હરોળ જેવી પટ્ટીમાં પાક સેનાનો અંકુશ હશે.
આ માટે તેને ઈન્ટરનેશનલ સ્ટેબીલાઈઝેશન ફોર્સ નામ અપાયુ છે. સામાન્ય રીતે રાષ્ટ્રસંઘ આ પ્રકારે શાંતિ-રક્ષક દળ મોકલે છે. જેમાં એકથી વધુ દેશની સેનાને સામેલ કરાય છે.
જયારે ગાઝામાં ફકત પાક.સેનાને જ મુકવા અમેરિકાનો પ્લાન છે. અગાઉ ઈઝરાયેલના વડાપ્રધાન નેતાનયાહુએ કહ્યું હતું કે ગાઝામાં કોની સેના રહેશે તે અમો નકકી કરશું. આમ પાક સેનાની હાજરી એ ઈઝરાયેલની મંજુરીથી જ શકય બની હોય તેવું માનવું છે.

