Gir Somnath, તા.29
સૌરાષ્ટ્રમાં ગઇકાલે સતત ચોથા દિવસે પણ માવઠાનો માર યથાવત રહ્યો હતો. ખાસ કરીને 24 કલાક દરમ્યાન ગીર સોમનાથ જિલ્લામાં 5 થી 8 ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતો બેહાલ થઇ ગયા છે. તેમજ ભાવનગર પંથકમાં પણ 0.5 ઇંચ, બરડા પંથકમાં 1 થી 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે રાજકોટ-જામનગરમાં વરસાદનાં વિરામ વચ્ચે સૂર્યદેવે દર્શન દીધા હતા.
વધુમાં સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે નદી-નાળાં ફરી વખત છલકાઈ ગયા છે. ગીર જંગલ વિસ્તાર સહિત આસપાસના પંથકમાં રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડ્યો હતો, જેના પરિણામે હિરણ નદીમાં પાણીની ભારે આવક થઈ છે.
પાણીની સપાટી વધતા હિરણ ડેમ 2 ના બે દરવાજા ખોલવાની ફરજ પડી હતી, જેથી ડેમની સુરક્ષા જાળવી શકાય. વરસાદી પાણીના પ્રવાહને કારણે નદી કાંઠાના વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
દિવાળી પછી કારતક માસમાં હિરણ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હોય તેવું આ પ્રથમ વખત બન્યું છે. આ વરસાદી માહોલને કારણે ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે, જ્યારે નદી અને ધોધના નજારા જોવા માટે સ્થાનિકોમાં ઉત્સાહ પણ છે.
ગીર સોમનાથ જિલ્લામાં ગઇ કાલ થી સાંજ સુધીમાં ગીરગઢડામાં 136 મી.મી. (સાડા પાંચ ઇચ), તાલાલામાં 117 મી.મી. (પોણા પાંચ ઇચ), વેરાવળમાં 167 મી.મી. (પોણા સાત ઇચ), સુત્રાપાડામાં 215 મી.મી (સાડા આઠ ઇચ), કોડીનારમાં 140 મી.મી. (સાડા પાંચ ઇચ), ઉનામાં 144 મી.મી. (પોણા છ ઇંચ) જેવો વરસાદ પડતા પ્રશાસનની ટીમ હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને લોકોને નદીકાંઠાના વિસ્તારમાં અવરજવર ન કરવા અપીલ કરવામાં આવી છે.
જ્યારે સતત બે દિવસના ભારે વરસાદ બાદ મંગળવારે ભાવનગર શહેર અને જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. સિહોરમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકામાં હળવા ભારે ઝાપટા વરસ્યા હતા. ભાવનગર જિલ્લામાં હજુ પણ ત્રણ દિવસ વરસાદની આગાહી છે. ગોહિલવાડ પંથકના ગ્રામ્ય પંથકમાં છૂટો છવાયો વરસાદ પડ્યો છે. સિહોરમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન વલભીપુરમાં 4, ઉમરાળા 3, ભાવનગર શહેર 2, ઘોઘા 3, સિહોર 17, ગારીયાધાર 1, તળાજા 3 અને જેસરમાં 7 મી.મી. વરસાદ નોંધાયો છે. તથા બરડા પંથકમાં એક થી દોઢ ઇંચ વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
આ કમોસમી વરસાદને કારણે પાકને ભારે નુકશાન પહોંચતા જગતના તાત ની સ્થિતિ દયનીય બની છે. પોરબંદરના બરડા પંથકમાં હજુ થોડા દિવસ પહેલા જ ખેડૂતોએ મગફળી ઉપાડવાનું કામ ચાલુ કર્યું હતું , પરંતુ ચાર મહિનાની મહેનત કરી તૈયાર થયેલ મગફળીના ઉપાડેલા પાક પર વરસાદ પડતા ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.
જોકે અન્ય જિલ્લાઓમાં 8 થી 12 ઈંચ જેટલો વરસાદ થયો છે અને પારાવાર નુકસાની આવેલ છે તે રીતે બરડા વિસ્તારમાં તેના જેટલી નુકસાની નથી પરંતુ અગાઉ જે ખેડૂતોએ ચોમાસુ બેસતા સિંચાઈની સગવડતા ધરાવતા ખેડૂતોએ ઓરવણા એટલે કે આગોતરું મગફળીનું વાવેતર કરેલ તે પાક 15 થી 20 દિવસ પહેલા ખેડૂતોએ સાચવી લીધો છે.
પરંતુ અગાઉના મગફળીના પાક માં જે પશુઓને ખાવાનો ચારો એટલે કે ખેડૂતની ભાષામાં તેને મગોટું કહે છે તેમાં નુકસાની થઇ છે મગફળી ઉપાડતી વખતે જે જમીનમાં તૂટી જાય છે તે મગફળી હવે આજના વરસાદથી કાદવમાં થી કાઢવી મુશ્કેલ બનશે જેથી ખેડૂતોને આ તૂટેલી મગફળી અને મગોટાની નુકસાની આવી છે.
જે ખેડૂતોએ ચોમાસામાં વાવણી વખતે વાવેલ મગફળી નો પાક દિવાળી આસપાસ ઉપાડવાનો ચાલુ કર્યો છે તે ખેડૂતોને મગોટુ અને મગફળી બંનેમાં નુકસાની આવશે જેથી અત્યારે ખેડૂતો ખૂબ જ મૂંઝવણમાં મુકાઈ ગયા છે કારણ કે કમોસમી વરસાદ વરસી ગયા પછીની મગફળી નો ભાવ પૂરતો આવતો ના હોવાથી ખેડૂતોને આર્થિક ખૂબ જ મોટી નુકસાની આવશે.
જ્યારે જામનગર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં વરસાદે વિરામ લીધો હોય જેને લઈને ખેડૂતોમાં રાહત જોવા મળી રહી છે ખાસ કરીને વરસાદી વિરામ લેતા જ ખેડૂતોએ પોતાના ખેતરોને વાડીઓમાં પડેલા મગફળીના સહિતના પાકોને બચાવવા માટે થઈને રાત દિવસ. કામગીરી શરૂ કરી દીધી હોવાનું જગતનો તાત જણાવી રહ્યો છે.
આમ છતા આકાશમાં વાદળો છવાયેલા રહેતા હોય અને વરસાદી વાતાવરણ વચ્ચે ઠંડો પવન પણ ફૂંકાય રહ્યો હોય આ વેગીલા વાયરા ને લઈને રોગચાળાનું પ્રમાણ વધે તેવું દેખાઈ રહ્યું છે.

