Junagadh, તા.29
ગિરનાર લીલી પરિક્રમાનો 36 કિલોમીટરનો રૂટ લાંબો, કઠિન અને ચઢાણ વાળો હોવાથી યાત્રિકોએ આરોગ્યની વિશેષ સંભાળ લેવી જરૂરી બની રહે છે. ભાવિકોને જરૂરી આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે ગિરનાર લીલી પરિક્રમના રૂટ પર તંત્ર દ્વારા 11 જેટલા હંગામી દવાખાના પણ શરૂ કરવામાં આવનાર છે.
ગિરનાર પરિક્રમાના જંગલના નિયત કરેલ વિસ્તારમાં ઉભા કરવામાં આવનાર કામચલાઉ દવાખાનામાં ઝીણાબાવાની મઢી, માળવેલાની ઘોડી ઉપર, માળવેલા ખાતે, નળપાણીની ઘોડી ઉપર, નળપાણીની ઘોડી વિસ્તાર-શ્રવણની કાવડ વિસ્તારમાં, સરકડિયા વિસ્તાર, બોરદેવી વિસ્તાર, બોરદેવી મંદિર ખાતે ભવનાથ ખાતે તેમજ ગીરનાર પર્વત પર, જૈન દેરાસર અને અંબાજીની ટૂંક પર દરેક સ્થળે મેડીકલ ટીમ કે જેમાં ડોક્ટર, ફાર્માસિસ્ટ તથા પેરા મેડીકલ સ્ટાફ અને જરૂરી જીવન રક્ષક દવાઓ, હાર્ટ એટેકને લગત દવાઓ, ઓક્સિજન, પ્રાથમિક સારવારની સાધન-સામગ્રી સાથે કાર્યરત રહેશે.
ઉપરાંત 108 એમ્બ્યુલન્સ જૂનાગઢ રેલ્વે સ્ટેશન, અશોક શિલાલેખ, ભવનાથ પાર્કિંગ, ભવનાથ પોલીસ સ્ટેશન, ભવનાથ મંદિર ઝોનલ ઓફીસ, કાળવા ચોક, નાગમંડલ મંદિર મેંદપરા ખાતે રાખવામાં આવશે. તેમજ 3 108 એમ્બ્યુલન્સ જૂનાગઢ શહેર ખાતે રાખવામાં આવશે. તેમજ તાલુકા હેલ્થ કચેરી તથા જિલ્લા સ્તરે રેપીડ રિસ્પોન્સ ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે.
જૂનાગઢ મેડીકલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા ભવનાથ ખાતેના નાકોડા હોસ્પિટલ ખાતે કામચલાઉ આઈ.સી.યુ. પણ કાર્યાન્વિત કરવા માટે જણાવવામાં આવેલ છે.
આ પરિક્રમામાં કુલ 18 મેડીકલ ઓફિસર, 12 ફાર્માસિસ્ટ, 73 પેરામેડીકલ સ્ટાફ તેમજ અન્ય 24 કર્મચારીઓ ફરજ બજાવશે. આ તમામ તમામ સ્ટાફને સી.પી.આર., પ્રાથમિક સારવાર, સેનિટેશન અને કલોરીનેશન, ઈમરજન્સી સારવારની તાલીમ આપવામાં આવી છે.

