New Delhi તા.30
ભારતમાં અંધત્વથી બચાવ અને આંખોની બીમારીઓની સારવારની સ્થિતિ ચિંતાજનક છે. એમ્સ દિલ્હીના એક સર્વેમાં ખુલાસો થયો છે કે દેશમાં સરેરાશ દર 65 હજાર લોકોએ માત્ર એક નેત્ર વિશેષજ્ઞ છે. દેશભરમાં 20944 આંખના ડોકટર અને 17849 ઓપ્ટોમેટ્રીસ્ટ કાર્યરત છે. જયારે વિઝન 2020ના લક્ષ્ય મુજબ 25 હજાર ડોકટર અને 48 હજાર પેરામેડીકલ સ્ટાફની જરૂરિયાત હતી.
ક્ષેત્રીય અસમાનતા પણ પડકાર
એમ્સના આ રિપોર્ટ મુજબ ભારતમાં નેત્ર ચિકિત્સા સેવાઓનું વિતરણ ખૂબ જ અસમાન છે. દક્ષિણના અને પશ્ચિમના રાજયોમાં સ્થિતિ તુલનાત્મક રીતે બહેતર છે, જયારે બિહાર, યુપી, ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં ડોકટરોની ભારે કમી છે.
70 ટકા આંખોની સેવાઓ પ્રાઈવેટના હાથોમાં
એમ્સના ડો. પ્રવિણ વશિષ્ઠ અને તેમની ટીમ દ્વારા તૈયાર રિપોર્ટ દેશના 7901 નેત્ર સંસ્થાનો અને હોસ્પિટલોના સર્વે પર આધારિત છે. તેને હાલમાં જ ઈન્ડીયન જર્નલ ઓફ ઓપ્થયોલોજીમાં પબ્લીશ કરવામાં આવ્યું છે.
સ્ટડીમાં બહાર આવ્યું છે કે દેશમાં સરેરાશ દર 1.64 લાખ વસ્તીએ એક આંખની હોસ્પિટલ છે તેમાં 70.6 ટકા ખાનગી હોસ્પીટલ, 15.6 ટકા સરકારી અને 13.8 ટકા એનજીઓ સંચાલીત છે.
1.64 લાખ વસ્તીએ એક હોસ્પિટલ
40 ટકા સંસ્થાઓમાં જ 24 કલાક સેવા 87 ટકા હોસ્પિટલોમાં ઓપરેશન થિયેટર 5.7 ટકા સંસ્થાનોમાં જ આઈ બેન્ક (કોર્નિયા પ્રોસેસીંગ અને સ્ટોરેજ સુવિધા).
દર લાખે કેટલા ડોકટર
લદાખમાં એક લાખની વસ્તીએ 2 ડોકટર છે. બિહારમાં એક લાખે 5 ડોકટર છે. યુપીમાં દર લાખે 8 ડોકટર છે. દિલ્હીમાં એક લાખે 55 ડોકટર છે.
રિપોર્ટમાં સૂચનો
નેત્ર ચિકિત્સા માટે અલગ માનવ સંસાધન નીતિ બને. આયુષ્યમાન યોજના અંતર્ગત દરેક જિલ્લામાં આઈ યુનિટ હોવા જોઈએ. ઓપ્ટોમેટ્રીસ્ટ અને પેરામેડીકલ કર્મીઓની ટ્રેનીંગ હોય. મહિલાઓ, ગ્રામીણ યુવાઓને આઈ હેલ્થ વર્કર તરીકે પ્રોત્સાહીત કરવામાં આવે.




