Washington, તા.30
અમેરિકામાં એચવનબી સહિતના વિઝા પર નોકરી કરતા ભારતીયો સહિતના વિદેશીઓ માટે હવે આજથી એક નવો નિયમ લાગુ થઈ ગયો છે જેમાં અત્યાર સુધી તેમના વિઝાની મુદત લંબાવવા માટેની પ્રક્રિયા ચાલતી હોય તે દરમ્યાન તેઓ પોતાની જોબ ચાલુ રાખી શકતા હતા. એટલે કે અગાઉના વિઝાની મુદત પુરી થઈ હોય પછી તે વધારવા માટેની અરજીના સમયગાળા દરમ્યાન તેમને જોબ પર ચાલુ રહેવાની ઓટોમેટીક મંજુરી મળતી હતી પરંતુ હવે તે મળશે નહી.
મતલબ કે વિઝાની મુદત સુધીમાં જો તેઓ એકસટેન્ડ કરવા એટલે કે મુદત વધારવાની મંજુરી ન મળે તો તેણે અમેરિકા છોડવું પડશે. આ નવા નિયમની અસર અમેરિકામાં એચવનબી વિઝા પર રહેતા ભારતીય અને તેના જીવનસાથી પર પડી શકે છે.
અમેરિકાના હોમલેન્ડ સિકયોરિટી વિભાગે આ નિયમમાં સુધારાની જાહેરાત કરી છે. ખાસ કરીને રોજગાર ઓથોરાઈઝેશન દસ્તાવેજ જેને ઈએડી તરીકે ઓળખવામાં આવે છે તેનું નવીનીકરણ સમય મર્યાદામાં જ કરવાનું રહેશે અને અત્યાર સુધી ઓટોમેટીક તેને વધારો મળી જતો હતો તે મળશે નહી.
અમેરિકી હોમલેન્ડ સિકયોરિટીના જણાવ્યા મુજબ રિન્યુ પ્રથામાં સ્ક્રિનીંગ પ્રક્રિયા પણ વધુ અઘરી બનાવાઈ છે અને તે એચવનબી ઉપરાંત એચફોર, એલવન અને એલ-ટુ આ પ્રકારના વિઝામાં લાગુ થશે અને તે ઓટોમેટીક એકસટેન્ડ થશે નહી.
હોમલેન્ડ સિકયોરિટીએ આ પ્રકારના વિઝા પર કામ કરતા લોકોને તેમની વિઝા મુદત પુરી થાય તે પહેલા ઓછામાં ઓછા 180 દિવસ પુર્વે રિન્યુ માટેની અરજી કરવા સલાહ આપી છે. પરંતુ મોડુ ફાઈલીંગ કરનારને તેની નોકરીથી હાથ ધોવા પડે તેવી પણ શકયતા છે.

