Chicago તા.30
શિકાગોમાં શરૂ કરાયેલા ઓપરેશન મિડવે બ્લિટ્ઝને બે મહિના પૂરા થવાની તૈયારીમાં છે અને ફેડરલ ઓથોરિટીનો એવો દાવો છે કે આ ઓપરેશન હેઠળ અત્યારસુધી ત્રણ હજારથી પણ વધુ અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે તેમજ આ આંકડો રોજેરોજ વધી રહ્યો છે.
એક તરફ શિકાગોમાં આડેધડ અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સને પકડવામાં આવી રહ્યા છે તો બીજી તરફ એ સવાલ પણ હવે ઉઠી રહ્યો છે કે છેલ્લા પોણા બે મહિનામાં જે ત્રણેક હજાર લોકો અરેસ્ટ થયા છે તે હાલ ક્યાં છે અને આ લોકો કોણ છે તેમજ તેમણે કોઈ ક્રાઈમ કર્યો છે કે નહીં?
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એવા દાવા કરી રહ્યું છે કે, શિકાગોમાં ખતરનાક ક્રિમિનલ્સને પકડવામાં આવી રહ્યા છે પરંતુ એટર્નીઝ અને હ્યુમન રાઈટ્સ ઈન્વેસ્ટિગેટર્સ કંઈક અલગ જ આક્ષેપ કરી રહ્યા છે.
નેશનલ ઈમિગ્રન્ટ જસ્ટિસ સેન્ટર સાથે કામ કરતા એટર્ની માર્ક ફ્લેમિંગે આ અંગે NBC Chicago સાથે વાત કરતા જણાવ્યું હતું કે સ્થિતિ ઘણી ગંભીર છે, માર્ક ફ્લેમિંગ જે સંસ્થા સાથે જોડાયેલા છે તે જ હાલ શિકાગોમાં ચાલી રહેલા ઈમિગ્રેશન એન્ફોર્સમેન્ટમાં અપનાવાઈ રહેલી ટેકટિક્સને કોર્ટમાં ચેલેન્જ કરી રહી છે. તેમના પ્રયાસોને કારણે જ કોર્ટે ICEને મનફાવે તે રીતે લોકોને ના પકડવા તેમજ બ્લેન્ક વોરન્ટના આધારે ગમે તેની ધરપકડ ના કરવા સહિતના અનેક ઓર્ડર આપ્યા છે.
આ લોયરે NBC શિકાગોને જણાવ્યું હતું કે શિકાગોમાં અરેસ્ટ કરાયેલા ત્રણ હજાર લોકો ક્યાં છે તે અંગે યુએસ ગવર્મેન્ટ ઓફિશિયલ્સ કંઈ બોલવા માટે તૈયાર નથી. તેમનો એવો પણ દાવો હતો કે ICE દ્વારા કરાઈ રહેલા દાવાથી વિરૂદ્ધ અરેસ્ટ કરાયેલા લોકો રીઢા ગુનેગાર પણ નથી.
તેમણે કહ્યું હતું કે, ફેડરલ એજન્ટ્સ દ્વારા અરેસ્ટ કરાયેલા મોટાભાગના લોકો વર્ષોથી શિકાગોમાં રહે છે, અહીં પોતાની ફેમિલી તેમજ કામધંધો ધરાવે છે અને તેમણે કોઈ ક્રાઈમ પણ નથી કર્યો. એટલું જ નહીં, જે ત્રણ હજાર લોકોને અરેસ્ટ કરાયા છે તેમાંના ઘણા લોકોને અત્યારસુધી ડિપોર્ટ કરી દેવાયા હોય તેવી પણ પૂરી શક્યતા છે.

