Junagadh, તા.30
જુનાગઢના રહીશ એવા જુનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને ગત તા.26/10થી આજ દિન સુધી 5 દિવસમાં વોટસએપ મોબાઈલ દ્વારા કોઈ શખ્સે જુદા જુદા મોબાઈલ નંબર ઉપરથી ધમકીઓ આપી ગાળો ભાંડી રૂા.30 લાખની ખંડણીની માંગણી બાદ રૂા.5 લાખનું આંગડીયુ કરી દેવાનું જણાવી નાણા નહિં મોકલે તો પરિવારને પતાવી દેવાની ધમકી આપ્યાની ફરીયાદ બી ડીવીઝન પોલીસમાં ધારાસભ્યએ નોંધાવી છે. આ ઘટનાથી ભારે ચકચાર જાગી છે.
આ અંગેની બી ડીવીઝન પોલીસમાંથી મળતી વિગત મુજબ ઝાંઝરડા રોડ સિધ્ધનાથ મંદિર સામે વ્રજધામ સોસાયટી `સ્વર્ગ’ બંગલામાં રહેતા ભાજપના ધારાસભ્ય સંજયભાઈ કૃષ્ણદાસ કોરડીયા (ઉ.54)ને ગત તા.26-10-25ના રોજ વોટસએપ મોબાઈલ નંબર +24399 3033128 તથા મો.નં. +24-3989379867 માંથી અપશબ્દો ભુંડીગાળોના મેસેજ કરી પ્રથમ રૂા.30 લાખની માંગણી કરી હતી. બાદ રૂા.5 લાખની ખંડણીની માંગણી કરી હતી. આ ખંડણીની રકમ રોનક ઠાકુર મો.88499 35156 અમદાવાદ નામે કુરીયર મોકલી આપવાનું જણાવેલ હતું.
જો આ 5 લાખની ખંડણી નહીં મોકલે તો તેના પરિવારને જાનથી મારી નાખશે તેવી ધમકીઓ આપ્યાની ફરીયાદ ગઈકાલે રાત્રીના 8-20 કલાકે બી ડીવીઝન પોલીસમાં નોંધાવતા બી ડીવીઝન પીઆઈ એ.બી. ગોહીલે તપાસ હાથ ધરી છે. આ મામલો ગૃહ વિભાગ સુધી પણ પહોંચ્યો છે. દરમ્યાન ધારાસભ્ય આ મામલે સાંજે પત્રકાર પરિષદ યોજનાર હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં વખતોવખત રાજકીય નેતાઓ, આગેવાનો તથા સેલીબ્રીટીઓને વોટસએપ કોલ પર ધમકી આપીને ખંડણી માંગવાના અનેક કેસો નોંધાતા રહ્યા છે.
આ સિવાય સાઈબર ફ્રોડના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. ખોટા વિડીયો કલીપમાં ફસાવીને નાણા પડાવવાના પણ બનાવો બનતા હોય છે તેવા સમયે જુનાગઢના ધારાસભ્યને ધમકી ભર્યા ફોન મારફત ખંડણીના આ કિસ્સાથી રાજકીય સનસનાટી સર્જાઈ છે.




