Ahmedabad,તા.30
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ હસમુખ ડી. સુથારની ખંડપીઠે સગીર બળાત્કાર પીડિતાની 35 અઠવાડિયાની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની માંગ કરતી અરજીનો નિકાલ કર્યો છે. પીડિતાએ 28 ઓક્ટોબર, 2025ના રોજ બાળકીને જન્મ આપતાં કોર્ટે આ અરજીને નિરર્થક જાહેર કરી હતી અને સત્તાવાળાઓને વિવિધ આદેશો આપ્યા હતા.
પીડિતાના પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં સગીરની નાની ઉંમર, શારીરિક સ્વાસ્થ્ય અને ઘટનાને કારણે થયેલા માનસિક આઘાતને ટાંકીને ગર્ભપાતની પરવાનગી માંગવામાં આવી હતી.
આ કેસ 24 ઓક્ટોબર, 2025ના રોજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) એક્ટ, 2012 હેઠળ એફઆઈઆર (FIR) નોંધાયા બાદ કોર્ટ સમક્ષ આવ્યો હતો.
કોર્ટના નિર્દેશ મુજબ, પીડિતાને તબીબી મૂલ્યાંકન માટે અમદાવાદની જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ, સોલા ખાતે દાખલ કરવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં રોકાણ દરમિયાન, સગીરને પ્રસવ પીડા શરૂ થઈ અને તેણે 2.2 કિલોગ્રામ વજનની એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો હતો.
આ ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને, કોર્ટે નિર્ણય લીધો કે ગર્ભપાત માટેની અરજીનો હેતુ પૂર્ણ થઈ ગયો છે, અને તે અરજીનો નિકાલ કરવામાં આવે છે. જસ્ટિસ સુથારે સગીર પીડિતા અને તેના નવજાત બાળક બંનેના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર અને સંબંધિત સત્તાવાળાઓને કેટલાક મહત્વના નિર્દેશો જારી કર્યા હતા.
નવજાત બાળકીની સંભાળ :બાળકીના યોગ્ય વિકાસ અને સ્વાસ્થ્યની ખાતરી કરવા માટે વિશેષ નિયોનેટલ સંભાળ અને આરોગ્ય તપાસ (હેલ્થ ચેક-અપ્સ) કરવામાં આવે.
માતા અને બાળકીની નિયમિત તપાસ : સગીર પીડિતા અને તેના બાળક બંનેની નિયમિત સ્વાસ્થ્ય તપાસ ચાલુ રાખવી.
બાળકીની કસ્ટડી અને દત્તક : સગીરની ઇચ્છાઓ અને બાળકની તબીબી સ્થિતિને ધ્યાનમાં લીધા બાદ, નવજાત બાળકીની કસ્ટડી બાળ કલ્યાણ સમિતિ (CWC) ના સુપરવિઝન હેઠળ અમદાવાદની વિશિષ્ટ દત્તક એજન્સીને સોંપવામાં આવે.
સગીરનું પુનર્વસન : જો સગીર તેના પરિવાર સાથે રહેવાનું પસંદ ન કરે, તો તેણીને નારી સંરક્ષણ ગૃહ, અમદાવાદ ખાતે ખસેડવાની વ્યવસ્થા કરવી. જ્યાં તેણીને સંભાળ, શિક્ષણ અને વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે.
તબીબી ખર્ચ અને વળતર : રાજ્ય સરકાર દ્વારા પીડિતા અને તેના બાળક બંનેના પ્રસૂતિ, પ્રસુતિ પછીની સંભાળ અને છ મહિના સુધીના પોષણ સંબંધિત તમામ તબીબી ખર્ચાઓ ઉઠાવવામાં આવે.
પીડિત વળતર યોજના : જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA), અમદાવાદ, દ્વારા પીડિત વળતર યોજના હેઠળ સગીર પીડિતાને વચગાળાનું વળતર આપવામાં આવે.
અમલીકરણની દેખરેખ : જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરીને આ તમામ નિર્દેશોના અમલીકરણ અને નવજાત બાળકીની દત્તક પ્રક્રિયાની દેખરેખ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.




