Surendranagar, તા.30
મૂળ મૂળી તાલુકાના સોમાસર ગામના અને હાલ અમદાવાદ રહેતા નિવૃત્ત પ્રાથમિક શિક્ષક અજીતભાઈ એસ.ચાવડા અને તેમના પત્ની વીરૂબેન બાળકોને જવાહર નવોદયની પરીક્ષાની તૈયારી કરી શકે માટે નિઃશુલ્ક શિક્ષણ સેવા આપી રહ્યા છે. અજીતભાઈએ 2 માસ પહેલાથી જ બાળકોને ઓનલાઈન તૈયારી શરૂ કરાવી દીધી છે.
પરંતુ હાલ વેકેશન હોવાથી સમયનો સદ્દઉપોયગ કરી શકાય તે માટે ઓફલાઈન સુરેન્દ્રનગર સિધ્ધાર્થ કેળવણી મંડળના મંત્રી અર્જુનભાઈ રાઠોડ સુરેન્દ્રનગર દ્વારા જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષાની તૈયારી માટેના પ્રશિક્ષણ વર્ગ ચાલુ કરવામાં આવ્યા છે.
ત્યારે વઢવાણ મૂળચંદ રોડ પર આવેલી સિધ્ધાર્થ છાત્રાલયમાં જુદા જુદા સ્થળોએથી આવેલા ધો. 4 અને 5 ધોરણના અંદાજે 25 દીકરા-દીકરી આ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે. રોજ સવારે 8 થી સાંજના 6 વાગ્યા સુધી જેમાં બપોરે 2 કલાક રિશેષ રહે છે. જેમાં 1 કલાક રમતગમતના પાઠ ભણાવવામાં આવે છે.
ત્યારબાદ રાત્રે 8થી 9 વધારાનો સમય ફાળવી તૈયારીઓ કરાઇ રહી છે. જેમાં સાવરકુંડલાના 5, રાજકોટના 1, સાણંદના 2, ધ્રાંગધ્રા સોલડીના 1 તેમજ શહેરી વિસ્તાર સહિતના કુલ અંદાજે 25 વિદ્યાર્થી છે. આ વિદ્યાર્થીઓ ગણિત, રિજીનિંગ, ગુજરાતી વિષયનું જ્ઞાન તા. 27 ઓક્ટોબરથી શરૂ કરાયું છે અને તે તા. 4 નવેમ્બર-2025 સુધી ચાલશે. ત્યારબાદ ઓનલાઈન આ શિક્ષણ ચાલુ રહેશે. જ્યારે સી.યુ. શાહ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ કિશોરભાઈ યુ.મકવાણાએ જણાવ્યું કે, શિક્ષણ યજ્ઞ થકી બાળકોની શક્તિઓને બહાર લાવીને આ દંપતી અનેક લોકો તેમજ બાળકો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.
સંસ્થાએ રહેવા જમવાની ફ્રી સગવડ સાથે બાળકો લાભ લઈ રહ્યા છે. અજીતભાઈ પોતે રાત્રિ રોકાણ બાળકો જોડે કરે છે. દીકરીઓને નજીકમાં એમની દીકરીનું મકાન છે ત્યાં અજીતભાઈના પત્ની વીરૂબેન રાખે છે. નવરાવી ધોવરાવી તેઓ સવારે ક્લાસમાં મૂકી જાય છે. જ્યારે અન્ય જિલ્લાના બાળકો સાથે શિક્ષક તેમજ દીકરીઓ સાથે પત્ની રાત્રિના સમયે સૂવે છે.
સાવરકુંડલાની ધો. 5ની વિદ્યાર્થિની રાઠોડ નમ્રતાએ જણાવ્યું કે, અજીત સર અમને 2 મહિનાથી ઓનલાઈન શિક્ષણ આપે છે. હાલ તો ગામથી દૂર છીએ એટલે મમ્મી-પપ્પાની યાદ આવે પરંતુ પરીક્ષાની તૈયારી પણ મહત્વની છે. રાજકોટના ધો. 5ના વોરા કૃણાલે જણાવ્યું કે, આ પરીક્ષાની અમારે ઓનલાઈન 2 માસથી તૈયારી ચાલે છે.
તેમાંય વેકેશન પડતા ઓફલાઈન શિક્ષણ જે વઢવાણ સિધ્ધાર્થ છાત્રાલયમાં શરૂ થયું છે તેનો લાભ અતિ આનંદ દાયક છે. પરિવાર થોડો થોડો યાદ આવે પરંતુ મોબાઇલથી દૂર રહીને અભ્યાસ કરવાની મજા આવે છે.

