Surendranagar, તા.30
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ છે ત્યા 200થી વધુ શિક્ષક સહાયકોની પસંદગી કરવાં આવી છે. આ સહાયકો ધોરણ 1થી 8માં નવા વર્ષે બાળકોને શિક્ષણ આપશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કુલ 500થી વધુ શિક્ષકની ઘટ છે. ઝાલાવાડની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકો ન હોવાથી શિક્ષણને અસર થઈ રહી છે.
આથી હાલ દિવાળી વેકેશન ચાલુ છે ત્યારે શાળાઓ શરૂ થાય તે પહેલાં રાજ્ય સરકારે શિક્ષક સહાયકોની ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી કચેરી દ્વારા શાળા પસંદ કરવા કેમ્પ યોજાયો હતો. દિવાળી વેકેશન પહેલા ધોરણ 1થી 5 માટે કરાર આધારિત 137 જેટલા શિક્ષકોને હુકમો કરવામાં આવ્યા હતા.
જ્યારે ધોરણ 6થી 8ના ભાષા અને સામાજિક શિક્ષકો માટે શાળા પસંદગી કેમ્પ બુધવારે સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો. જેમા ભાષાના 10 અને સમાજના 37 શિક્ષકોની શાળ પસંદગી થઈ હતી. આ તકે જિલ્લા શિક્ષણધિકારી અરવિંદભાઇ ઓઝા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો. ભદ્રસિંહ વાઘેલા, નાથાભાઈ સંઘાણી વગેરેની ઉપસ્થિતિમાં સ્થળ પસંદગી અને હુકમો અપાયા હતા. આથી આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 200થી વધુ શિક્ષકો ધોરણ 1થી 8માં બાળકોને ભણાવશે.
250 જ્ઞાન સહાયકનો કરાર રિન્યૂ કરાશે
આ અંગે પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. ભદ્રસિંહ વાઘેલાએ જણાવ્યું કે, 250 શિક્ષક જ્ઞાન સહાયકનો કરાર પૂરો થઈ ગયો છે. જેમનો હવે ફરીથી કરાર રિન્યૂ કરવામાં આવશે.

