Rajkot,તા.30
રાજકોટ શહેરમાં આજે સતત છઠ્ઠા દિવસે પણ ગાઢ વરસાદી માહોલ છવાયેલો રહ્યો હતો. અને છુટાછવાયા ઝાપટા વરસ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે મોડી સવારે સૂર્યદેવતાએ થોડીવાર દર્શન દીધા હતા.
જોકે આજે ફરી વાતાવરણ યથાવત થઈ ગયું હતું. અને સવારથી બપોર સુધી સૂર્ય દેવતાના દર્શન થયા ન હતા અને ચોમાસુ માહોલ સાથે ઠંડુ વાતાવરણ રહેવા પામ્યું હતું. સૂર્યદેવતાનાં દર્શન વિના કંટાળેલા નગરજનો પણ હવે ચોમાસુ માહોલથી ત્રસ્ત બની ગયા છે. અને વહેલાસર વાતાવરણ સ્વચ્છ થાય તેની રાહ જોઈ રહ્યા છે.
દરમ્યાન આજે સવારે 9-30 કલાકે શહેરનું તાપમાન 24.2 ડિગ્રી અને લઘુતમ તાપમાન 23 ડિગ્રી રહેવા પામ્યું હતું. તેમજ સવારે હવામાં ભેજ 90 ટકા રહ્યો હતો. અને પવનની ઝડપ 10 કિ.મી. સરેરાશ રહી હતી.

