Mumbai, તા.૩૦
અભિનેત્રી Sara Ali Khan ફરી એકવાર ધાર્મિક કારણોસર ચર્ચામાં આવી છે. ઉત્તરાખંડના પ્રસિદ્ધ કેદારનાથ ધામમાં દર્શન અને પૂજા-અર્ચના કરવા બદલ ઉત્તર પ્રદેશના મૌલાના મુફ્તી શહાબુદ્દીન રઝવી બરેલવીએ તેની સામે ફતવો જાહેર કર્યો છે. મૌલાનાએ સારા અલી ખાનના આ પગલાને ઇસ્લામ અને શરિયતની વિરુદ્ધ ગણાવ્યું છે.
તેણે અભિનેત્રીને અલ્લાહ પાસે માફી માગીને તૌબા કરવાની સલાહ પણ આપી છે. અહેવાલ અનુસાર, Sara Ali Khan ૨૫ ઓક્ટોબર, રવિવારના રોજ કેદારનાથ મંદિર પહોંચી હતી. આ દરમિયાન તે સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ દર્શન માટે લાઈનમાં ઊભી રહી હતી. પૂજા-અર્ચના કર્યા બાદ મંદિરની બહાર હાથ જોડીને ઊભેલી તેની તસવીરો પણ સામે આવી હતી. સોશિયલ મીડિયા પર આ તસવીરો અને વીડિયો વાયરલ થયા બાદ તેના ધાર્મિક પ્રવાસને લઈને ચર્ચા શરૂ થઈ હતી.મૌલાના શહાબુદ્દીન રઝવીએ એક વીડિયો નિવેદન જાહેર કરીને આ મામલે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
તેણે જણાવ્યું હતું કે ઈસ્લામ અને શરિયત અનુસાર કોઈ મુસ્લિમ વ્યક્તિએ અન્ય ધર્મના ધાર્મિક સ્થળે જઈને તે ધર્મની પદ્ધતિ પ્રમાણે પૂજા કરવી યોગ્ય નથી. તેણે આ પ્રકારની પ્રવૃત્તિને શરિયતની દૃષ્ટિએ નાજાયઝ અને હરામ ગણાવી હતી. મૌલાનાએ સારા અલી ખાનને અલ્લાહ સમક્ષ એક ગુનેગારની જેમ માફી માગીને તૌબા કરવાની સલાહ આપી હતી.મૌલાનાએ પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે, અનેક મુસ્લિમ યુવકોએ તેને સવાલ કર્યો હતો કે સારા અલી ખાન દ્વારા કેદારનાથ મંદિરમાં પૂજા કરવી શરિયત અનુસાર યોગ્ય છે કે નહીં. આ સવાલોના જવાબમાં તેણે સ્પષ્ટતા કરી હતી કે આવા કાર્યોને ઇસ્લામિક કાયદા હેઠળ મંજૂરી આપવામાં આવતી નથી. અન્ય ધર્મોની ધાર્મિક પૂજા-પદ્ધતિમાં ભાગ લેવા અંગે તેણે પોતાની ધાર્મિક માન્યતા વ્યક્ત કરતાં અભિનેત્રીના પગલાની ટીકા કરી હતી.
આ પહેલીવાર નથી જ્યારે સારા અલી ખાનને કેદારનાથની મુલાકાતને લઈને આવી ટીકાઓનો સામનો કરવો પડ્યો હોય. અહેવાલ મુજબ, સારા છેલ્લા ચાર વર્ષથી સતત કેદારનાથ ધામની મુલાકાત લઈ રહી છે. તેની પ્રથમ ફિલ્મ પણ વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી ‘કેદારનાથ’ હતી, જેમાં તેણે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે કામ કર્યું હતું. ફિલ્મના શૂટિંગ દરમિયાન પણ તેને ઉત્તરાખંડમાં કેટલાક દક્ષિણપંથી સંગઠનોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન, બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા બિનહિંદુ શ્રદ્ધાળુઓ માટે મંદિરમાં પૂજા-અર્ચના કરવા પહેલાં સોગંદનામું એટલે કે એફિડેવિટ રજૂ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. સમિતિના મુખ્ય કાર્યકારી અધિકારી સોહન સિંહ રંગારે પણ પુષ્ટિ કરી હતી કે સારા અલી ખાનની ટીમે કેદારનાથની મુલાકાત પહેલાં જરૂરી એફિડેવિટ જમા કરાવ્યું હતું. આ સમગ્ર મામલે હાલ સારા અલી ખાન અથવા તેની ટીમ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.

