વાવાઝોડા મોન્થા દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે કૃષ્ણા નદી પર આવેલા પુલિચિંતાલા જળાશય અને પ્રકાશમ બેરેજ ડેમ ભરાઈ ગયા
New Delhi, તા.૩૧
આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાયા પછી વાવાઝોડું મોન્થા હવે નબળું પડ્યું છે, પરંતુ તેનાથી સર્જાયેલા લો પ્રેશરને કારણે શનિવાર સુધી પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તરપ્રદેશના કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ઝારખંડમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ હતી. હવામાન વિભાગે જણાવ્યું હતું કે દક્ષિણ છત્તીસગઢ પર સ્થિત વેધર સિસ્ટમ ઉત્તર તરફ પૂર્વ મધ્યપ્રદેશ તરફ આગળ વધવાની અને વધુ નબળી પડવાની સંભાવના છે. તેનાથી ૩૦ અને ૩૧ ઓક્ટોબરના રોજ બિહાર અને ઝારખંડમાં અને ૩૦ ઓક્ટોબરથી ૧ નવેમ્બર દરમિયાન પશ્ચિમ બંગાળ અને સિક્કિમના કેટલાંક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની ધારણા છે.વાવાઝોડુ મોન્થાએ મંગળવારે આંધ્રપ્રદેશના દરિયાકાંઠે લેન્ડફોલ કર્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે જો આપણે બીજા બે દિવસ આ જ રીતે કામ ચાલુ રાખીશું, તો આપણે લોકોને ઘણી રાહત આપી શકીશું. ચક્રવાતી તોફાનને કારણે બે લોકોના મોત થયા છે. વાવાઝોડાને કારણે આંધ્રપ્રદેશમાં જનજીવન ખોરવાઈ ગયું હતું. તેની અસર પડોશી ઓડિશામાં પણ અનુભવાઈ હતી, જ્યાં ઓછામાં ઓછા ૧૫ જિલ્લાઓમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું હતું. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ ગુરુવારે જણાવ્યું હતું કે પ્રાથમિક અંદાજ મુજબ વાવાઝોડા મોન્થાથી રાજ્યને ઓછામાં ઓછા રૂ.૫,૨૬૫ કરોડનું નુકસાન થયું છે. માર્ગ અને મકાન વિભાગને રૂ.૨,૦૭૯ કરોડનું નુકસાન થયું છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રને રૂ.૮૨૯ કરોડ અને બાગાયત ક્ષેત્રને રૂ.૪૦ કરોડનું નુકસાન થયું છે. વાવાઝોડા મોન્થા દરમિયાન થયેલા ભારે વરસાદને કારણે કૃષ્ણા નદી પર આવેલા પુલિચિંતાલા જળાશય અને પ્રકાશમ બેરેજ ડેમ ભરાઈ ગયા અને તેના કારણે નદીમાં પાણી છોડવાની ફરજ પડી હતી. નદીના કિનારે આવેલા નીચાણવાળા ગામોમાં રહેતા લોકોએ સતર્ક રહેવાની ચેતવણી અપાઈ હતી.




