ગુજરાતમાં કમોસમી વરસાદનો દોર ચાલુ રહેતા ખેડૂતો માટે ‘પડતા પર પાટુ’ જેવી સ્થિતિ સર્જાઈ
Ahmedabad, તા.૩૧
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદનો દોર ચાલુ રહેતા ખેડૂતો માટે ‘પડતા પર પાટુ’ જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં નોંધાયેલા વરસાદે છેલ્લા એક દાયકાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગુજરાતમાં આ વર્ષે ઓક્ટોબર મહિનામાં જ સરેરાશ ૩.૩૦ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે છેલ્લા ૧૦ વર્ષમાં ઓક્ટોબરમાં નોંધાયેલો સૌથી વધુ વરસાદ છે. આ પહેલા ૨૦૧૬, ૨૦૨૨ અને ૨૦૨૪ના વર્ષમાં પણ ઓક્ટોબરમાં વધુ વરસાદ પડ્યો હતો, પરંતુ આ વર્ષે તેની તીવ્રતા સૌથી વધારે રહી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં સરેરાશ ૨ ઇંચ વરસાદ નોંધાયો હતો.ગુરુવારે રાજ્યના કુલ ૧૮૮ તાલુકાઓમાં માવઠું પડ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાનું મહુવા સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યું હતું, જ્યાં ૩.૨૫ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેતરોમાં ઊભા પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, જેના પગલે સરકારે પાક નુકસાનના સર્વેનો આદેશ આપ્યો છે.હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી કરી છે. શુક્રવારે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથમાં વરસાદ પડવાની સંભાવના છે. શનિવારે (પહેલી નવેમ્બર) ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કરાયું છે. આ સિવાયના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનનો કુલ ૧૨૫ ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. પ્રદેશ મુજબ જોઈએ તો કચ્છમાં સૌથી વધુ ૧૫૦ ટકા,જ્યારે દક્ષિણ ગુજરાતમાં ૧૩૧ ટકા વરસાદ નોંધાયો છે. ઓક્ટોબરના અંતિમ દિવસોમાં પડેલા આ ભારે માવઠાએ ખેડૂતોની રવિ પાકની તૈયારીઓ પર પણ વિઘ્ન ઊભું કર્યું છે અને આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ પર સૌની નજર ટકેલી છે.




