આ અરજીઓમાં ફિલ્મ પર પ્રતિબંધ અને સેન્સર બોર્ડ દ્વારા તેને અપાયેલા સર્ટિફિકેટ પર પુનઃવિચારણા કરવા માગ કરાઈ
Mumbai,તા.૩૧
પરેશ રાવલની ફિલ્મ ‘ધ તાજ સ્ટોરી’ ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે, તે પહેલાં આ ફિલ્મના કારણે એક વિવાદ ઊભો થયો છે. આ ફિલ્મની વિરુદ્ધમાં બે પીઆઈએલ થઈ છે. આ અરજીઓમાં ફિલ્મ પર પ્રતિબંધ અને સેન્સર બોર્ડ દ્વારા તેને અપાયેલા સર્ટિફિકેટ પર પુનઃવિચારણા કરવા માગ કરાઈ છે. આ અંગે મૌન તોડતાં હવે પરેશ રાવલે વિવાદ પર જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે આ ફિલ્મ કોઈ જ કોમવાદી વિચારધારાને પ્રોત્સાહન આપતી નથી.આ ફિલ્મને ભાજપના નેતાએ અયોધ્યામાં કાયદાકીય રીતે પડકારી છે, તેમનો દાવો છે કે તેમણે ૨૦૨૨માં હાઇ કોર્ટમાં કરેલી અરજીને આ ફિલ્મના વિષય તરીકે લેવામાં આવી છે. અન્ય એક પીઆઈએલમાં શકીલ અબ્બાસ દ્વારા માગણી કરવામાં આવી છે કે ફિલ્મને સેન્સર બોર્ડ દ્વારા આપવામાં આવેલા સર્ટિફિકેટ પર પુનઃવિચારણા કરવામાં આવે અને સર્ટિફિકેટમાં એવી ચેતાવણી મુકવામાં આવે કે ‘આ ફિલ્મ વિવાદાસ્પદ વાર્તા સાથે કામ લે છે અને તે ચોક્કસ ઐતિહાસિક વર્ણન હોવાનો દાવો કરતી નથી.’ જોકે, બુધવારે, દિલ્હી હાઇકોર્ટે આ ફિલ્મની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં પરેશ રાવલ અને ઝાકીર હુસૈને આ વિવાદ અંગે ખુલાસો કરતા કહ્યું કે ફિલ્મ સઘન અભ્યાસના ધારે બની છે અને સમજને પ્રોત્સાહન આપે છે, ભાગલાને નહીં. પરેશ રાવલે કહ્યું, આ ફિલ્મમાં કશું જ હેંકી પેંકી નથી. તેમણે કહ્યું, “ડિરેક્ટર તુશારે ઘણું સારું રીસર્ચ કર્યું છે. તેમણે દરેક સ્ત્રોતનો પણ ઉલ્લેખ કર્યો હતો અને મેં પણ દરેક બાબતની જાણકાર મિત્રો સાથે ખાતરી કરી હતી. શરૂઆતથી જ અમે નક્કી કર્યું હતું કે આ ફિલ્મમાં કોઈ પ્રકારનો હિન્દુ-મુસ્લિમ વિખવાદ ન જોઈએ.”આગળ પરેશ રાવલે જણાવ્યું કે ફિલ્મમાં તકેદારીપૂર્વક ધ્રુવીકરણ ટાળવાનો પ્રયત્ન થયો છે. તેમણે જણાવ્યું, “ફિલ્મમાં એક ડાયલોગ પણ છે, જેમાં એક પાત્ર બોલે છે, “ભાઈ, આ તમે પત્રકારો છો જે દરેક વાતને હિન્દુ-મુસ્લિમ બનાવી દે છે. અહીં કોઈ હિન્દી-મુસ્લિમ વિવાદ નથી. આ તો આપણા સહિયારા ઇતિહાસની ફિલ્મ છે.”ફિલ્મમાં દર્શાવાયેલી આવી વધુ એક ઘટના અંગે પરેશ રાવલે કહ્યું, “જ્યારે કોઈ કહે છે, “આપણે આનું શું કરવું છે?” બીજો એક માણસ જવાબ આપે છે, “તોડી નાખ.” તો એક પાત્ર બોલે છે, “ના ભાઈ, આપણે વિનાશ કરવાવાળા લોકો નથી. આને એક ઘસરકો પણ પડવો જોઇએ નહીં. કશું તોડીને કે તેનો વિનાશ કરીને દરેક વાતનું નિરાકરણ આવી શકે નહીં. ક્યારેક સ્વીકાર જ મોટી વાત છે.”




