Mumbai.તા.03
એક સમયના દેશના ટોચના ઉદ્યોગપતિમાં સ્થાન ધરાવતા રિલાયન્સ અનિલ અંબાણી ગ્રુપ સામે બેન્ક લોનમાં ફ્રોડ સહિતની તપાસમાં એન્ફોર્સમેન્ટ વિભાગે આ ગ્રુપની દેશભરમાં રહેલી રૂા.3084 કરોડની 40 પ્રોપર્ટી એટેચ કરી છે. યસ બેન્ક સહિતની બેન્કો પાસેથી મેળવેલા રૂા.13600 કરોડના ધિરાણમાં લાંબા સમયથી અનિલ અંબાણી ગ્રુપ સામે તપાસ કરવામાં આવી રહી છે અને તેમાં અનિલ અંબાણીની પણ પુછપરછ થઈ ચુકી છે.
સીબીઆઈ તથા ઈડી બન્ને એકશનમાં છે તેમાં ઈડીએ અનિલ અંબાણીના પાલી હીલ- બાંદરા ખાતેના નિવાસ અને મુંબઈના ફલેટ ઉપરાંત રિલાયન્સ કોમ્યુનીકેશન તથા રીલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રકચરની માલીકીના દિલ્હી-નોઈડા-મુંબઈ-ગોવા-પુને-હૈદરાબાદ અને ચેન્નઈ સહિતના શહેરોની મિલ્કતો ટાંચમાં લીધી છે.
જો કે અનિલ અંબાણી ગ્રુપે તેના પર મૌન સેવ્યુ હતું. જે મિલ્કતો એટેચ કરવામાં આવી છે તેમાં દિલ્હીના મહારાજા રણજીતસિંહ માર્ગ પરનું રૂા.2100 કરોડનું રિલાયન્સ સેન્ટરનો પણ સમાવેશ થાય છે. પાલી હીલનો બંગલો એ રહેણાંક મિલ્કત છે. ગાઝીયાબાદ તથા નોઈડામાં ખુલ્લા પ્લોટ તથા ચેન્નઈમાં 29 ફલેટની કિંમત રૂા.109 કરોડ થાય છે.
અનિલ અંબાણી ગ્રુપે તેની કંપનીમાં રિલાયન્સ હોમ ફાયનાન્સ, રિલાયન્સ કોમર્શિયલ ફાયનાન્સ અને રીલાયન્સ નિયોન મ્યુચ્યુઅલ ફંડ જેવી નોંધાયેલી અને અન્ય બોગસ કંપનીઓ ઉભી કરી રૂા.13600 કરોડનો ભંડોળનો જે તે વ્યાપારી હેતુ કરતા અન્યત્ર ઉપયોગ કર્યા હતા અને ગ્રુપ કંપનીઓમાં નાણા ટ્રાન્સફર કરાયા હતા.
બાદમાં આ નાણા અન્યત્ર ડાઈવર્ટ કરાયા હતા અને ધિરાણના હેતુ વગરની મિલ્કતો ખરીદાઈ હતી તથા બેન્ક થાપણો પણ કરવામાં આવી હતી. ઉપરાંત રિલાયન્સ નિયોન મ્યુચ્યુઅલ ફંડે નિયમોને આતરીને રિલાયન્સની કંપનીઓમાંજ રોકાણ કર્યુ હતું.

