Rajkotતા.3
ચુંટણીપંચ દ્વારા દેશભરમાં મતદાર યાદીની ગહન પુનઃસમીક્ષા (ધ સ્પેશ્યલ ઈન્ટેનસીવ રિવીઝન-SIR) માટે નિર્ણયનો અમલ આવતીકાલથી ગુજરાતમાં શરુ થશે અને રાજયભરમાં બુથ લેવલ ઓફીસર (બીએલઓ) ઘર ઘર જઈને મતદાર યાદીની ચકાસણી શરુ કરશે.
જેમાં જે મતદારોના મૃત્યુ થયા છે અથવા તો અન્યત્ર વસ્યા છે કે કોઈપણ કારણોસર એકથી વધુ સ્થળોએ એક જ મતદારનું નામ છે તે તમામ નામો દુર કરાશે. એટલું જ નહી જે રીતે ભારતના નાગરિક ન હોય પરંતુ બોગસ દસ્તાવેજોના આધારે મતદાર યાદીમાં પણ નામ સામેલ કરી દેવાયુ હોય તે નામો પણ દુર કરશે.
આવતીકાલ તા.4થી શરુ થનારી આ પ્રક્રિયા બાદ તા.9 ડિસેમ્બરે મતદાર યાદીનો ડ્રાફટ જાહેર કરાશે અને તેમાં જેઓના નામ કમી કરાયા છે તેઓને નોટીસ અપાશે તથા તે બાદ વાંધાઅરજીઓ વગેરેમાં નિકાલ કરીને 7 ફેબ્રુ. 2026ના રાજયની અંતિમ અને ફાઈનલ મતદાર યાદી પ્રસિદ્ધ થશે.
ગુજરાતમાં આ માટે રાજય ચુંટણી ઓફીસ દ્વારા તૈયારીઓ પુર્ણ કરવામાં આવી છે અને ગત સપ્તાહમાં બુથ લેવલના અધિકારીઓથી લઈ અને આ પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ અધિકારીઓની તાલીમ વગેરે પણ પુર્ણ કરવામાં આવી છે અને રાજયમાં આ પ્રક્રિયામાં હવે મતદાર યાદીમાંથી ખરેખર કેટલા નામો દુર થાય છે તેના પર સૌની નજર રહેશે.
જો કે બિહારની જેમ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ પ્રકારની કવાયતનો વિરોધ કર્યો છે પરંતુ સુપ્રીમકોર્ટે પણ ચુંટણીપંચને તેમાં આગળ વધવાની મંજુરી આપી દીધી છે અને જેઓના નામ મતદાર યાદીમાં છે તેમાં 2002ની કટ ઓફ ડેટ નિશ્ચિત કરાઈ છે.
આ યાદીમાં જેમના માતા-પિતાના નામ મતદાર યાદીમાં હોય તેઓ યથાવત રીતે ગુજરાતની મતદાર યાદીમાં રહેશે અને અન્ય તમામ જે નામોમાં ચુંટણી અધિકારીને કોઈ પ્રશ્ન હોય તો તે માટે યોગ્ય નોટીસ આપશે અને જો પંચની પ્રક્રિયા મુજબ સંતોષ ન થાય તો તે નામો કાયમ માટે દુર કરાશે. જેના કારણે પણ વિવાદ સર્જાવાની શકયતા છે.
ગુજરાતમાં મતદાર યાદી પુનઃસમીક્ષા કામગીરીનો નિર્ણય થતા જ રાજયના મુખ્ય ચુંટણી અધિકારી હરિત શુકલા પોતાની રજા ટુકાવીને પરત આવી ગયા છે. આઈએએસ અધિકારી શ્રી શુકલાએ દિવાળીની રજાઓ સાથે જોડીને વતનમાં જવા માટે જે લાંબી રજા મુકી હતી પરંતુ ચુંટણીપંચે રાજયમાં મતદાર યાદી પુનઃ સમીક્ષા કામગીરી હાથ ધરવાનો નિર્ણય કરતા શ્રી શુકલાને તાત્કાલીક ફરજ પર પહોંચી જવું પડયું છે.

