Mumbai,તા.03
દીપિકા પાદુકોણ ભલે આ વર્ષે કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. પરંતુ લાઈમલાઈટમાં રહી છે, તેની પાછળનું કારણ તેણે આપેલું એક નિવેદન છે. દીપિકાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં પોતાને એક ફિલ્મમાંથી દૂર કરવા પાછળનું કારણ જણાવ્યું હતું. આ કારણથી સિનેમા જગતમાં વિરોધની લાગણી છવાઈ હતી.
દીપિકાએ જણાવ્યું હતું કે, મને સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ સ્પિરિટમાંથી દૂર કરવામાં આવી હતી, તેની પાછળનું એક કારણ એ હતું કે અભિનેત્રીએ 8 કલાકની શિફ્ટની માંગ કરી હતી. આ નિવેદનથી દીપિકા પ્રત્યે સહાનૂભૂતિ તેમજ અન્ય સેલિબ્રિટી દ્વારા પોતાની સાથે પણ આ પ્રકારની ઘટના બની હોવાના રિએક્શન આવી રહ્યા છે. જેમાં પ્રચલિત અભિનેત્રી સોનાક્ષી સિંહાએ પણ દીપિકાની વાત પર સહમતિ વ્યક્ત કરતાં પ્રતિક્રિયા આપી હતી. બીજી તરફ અમુક લોકોએ આ મામલે દીપિકાના કામના કલાકોમાં રાહત મુદ્દે અસંમતિ પણ વ્યક્ત કરી હતી.
15 વર્ષથી ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહેલી અભિનેત્રી સોનાક્ષી સિંહાએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં દીપિકાની 8 કલાકની શિફ્ટની માંગ સાથે સંમતિ દર્શાવી હતી. તેમજ પોતાની સાથે પણ આ પ્રકારનો ખરાબ અનુભવ થયો હોવાની વાત રજૂ કરી હતી. તેણે કહ્યું કે, મેં આઠ કલાક અથવા તો 18 કલાક કામ કર્યું છે. તે પ્રોજેક્ટ અને તેમાં સામેલ લોકો પર આધાર રાખે છે, પરંતુ મને લાગે છે કે જો ચીજોને વધુ વ્યવસ્થિત રીતે મેનેજ કરવામાં આવે તો સેટ પર જે કામ 14 કલાકમાં થાય છે, તે આઠ કલાકમાં થઈ શકે છે. તદુપરાંત, ક્રૂ અમારા કરતા ઘણો લાંબો સમય કામ કરે છે. તેઓ વહેલા આવે છે, મોડા જાય છે, અને તેમનો પણ એક પરિવાર છે. એક સુચારૂ માળખું હોવું જરૂરી છે જેથી દરેક વ્યક્તિ કામની બહાર પોતાનું જીવન જીવી શકે.
સોનાક્ષી સિંહા ટૂંક સમયમાં સુધીર બાબુની આગામી ફિલ્મ ‘જટાધારા’માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રી મુખ્ય ભૂમિકા ભજવે છે, અને ટ્રેલરમાં તેના અભિનયને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં દિવ્યા ખોસલા અને શિલ્પા શિરોડકર પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ફિલ્મ 7 નવેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થશે. અભિનેત્રી છેલ્લે ‘નિકિતા રોય’ ફિલ્મમાં જોવા મળી હતી, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

