New Delhi, તા. 4
રશિયા પાસેથી ભારતની ક્રુડ તેલની ખરીદીથી નારાજ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર વધારાના ટેરિફ ઝીંકયા જ છે ઉપરાંત રશિયન સહિતની કંપનીઓ પર પ્રતિબંધ લાદયા છે. તેની અસર વર્તાવા લાગી હોય તેમ ઓકટોબરમાં રશિયામાંથી ભારતની ક્રુડ ઓઇલ આયાતમાં ઘટાડો નોંધાયો છે.
જ્યારે અમેરિકાથી ક્રુડની ખરીદી 4.પ વર્ષની ઉંચાઇએ પહોંચી છે. અમેરિકી ટેરિફ નિયંત્રણો વચ્ચે ઓકટોબરમાં અમેરિકાથી 593000 બેરલ ક્રુડ ખરીદ કર્યુ હતું તે માર્ચ-2021 પછીનું સૌથી વધુ છે.
અમેરિકાએ 22 ઓક્ટોબરે રશિયાની તેલ કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી, જેના પગલે રશિયા દ્વારા ભારતમાં થતા ક્રૂડ સપ્લાયમાં ઘટાડો નોંધાયો છે. વૈશ્વિક કોમોડિટી ડેટા મુજબ, 27 ઓક્ટોબરે પૂરા થતા સપ્તાહમાં રશિયાથી ભારતને ક્રૂડ ઓઇલની નિકાસ સરેરાશ 11.9 લાખ બેરલ પ્રતિ દિન રહી, જે અગાઉના બે સપ્તાહની 19.5 લાખ બેરલ પ્રતિ દિનની સરેરાશ કરતાં ઘણી ઓછી છે.
પ્રતિબંધોની સીધી અસર રશિયાની બે સૌથી મોટી કંપનીઓ-રોસનેફ્ટ અને લુકોઇલના પુરવઠા પર થઈ. રોસનેફ્ટની ભારતને તેલની નિકાસ 27 ઓક્ટોબરના સપ્તાહમાં ઘટીને 8.1 લાખ બેરલ પ્રતિ દિન થઈ, જે અગાઉના સપ્તાહે 14.1 લાખ બેરલ પ્રતિ દિન હતી, જ્યારે લુકોઇલ તરફથી આ સમયગાળામાં કોઈ શિપમેન્ટ નોંધાયું નથી.
રિપોર્ટ મુજબ, અમેરિકી પ્રતિબંધો બાદ ભારતીય રિફાઇનરીઓએ સાવચેતીના પગલાં લીધા છે. જેમાં એચપીસીએલ-મિત્તલ એનર્જીએ રશિયન તેલની આયાત તાત્કાલિક ધોરણે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. તેમજ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનએ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનું પાલન કરવાની વાત કરી,
જોકે ભવિષ્યની આયાત પર સીધું નિવેદન આપ્યું નથી. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (ભારતની લગભગ અડધી રશિયન તેલ આયાત સંભાળતી કંપની) એ સરકારી માર્ગદર્શિકા મુજબ અનુપાલન કરવાની અને અસરનું મૂલ્યાંકન કરવાની વાત કરી. નિષ્ણાતોના મતે, ભારતીય કંપનીઓ અને બેન્કો અમેરિકી સેક્નડરી સેંક્શન્સના ડરથી રશિયા સાથેના જોખમી લેણદેણથી દૂર રહી રહ્યા છે.
હાલમાં ભારતના કુલ તેલ આયાતમાં રશિયન તેલનો હિસ્સો લગભગ 35% છે, પરંતુ અમેરિકાના આ પગલાં બાદ આ ભાગીદારી ઘટવાની શક્યતા છે. પ્રતિબંધોની જાહેરાત પછી રિફાઇનરીઓએ નવેમ્બરની ડેડલાઇન પહેલા ડિલિવરી ઝડપી કરી હતી. 21 નવેમ્બર પછી મોટાભાગની રિફાઇનરીઓ પ્રતિબંધિત કંપનીઓ પાસેથી આયાત બંધ કરી દેશે.
જોકે, ‘અનસેંક્શનડ ઇન્ટરમીડિયરીઝ’ (અસંબંધિત મધ્યસ્થીઓ) દ્વારા અમુક તેલ આવતું રહેશે, પરંતુ માત્રા ઓછી રહેશે. ઓક્ટોબરમાં ભારતની સરેરાશ રશિયન તેલ આયાત 16.2 લાખ બેરલ પ્રતિ દિન રહી, જે સપ્ટેમ્બરના 16.1 લાખ બેરલની લગભગ સમાન હતી.
ડિસેમ્બર અને જાન્યુઆરીમાં રશિયન તેલની આયાતમાં સ્પષ્ટ ઘટાડો થશે, કારણ કે રિફાઇનરીઓ નવા સપ્લાય સ્ત્રોતો શોધશે. રશિયન તેલ હજુ પણ કિફાયતી હોવાથી અને ભારત સરકારે ઔપચારિક રોક ન લગાવતા, આયાત સંપૂર્ણપણે બંધ થવાની શક્યતા નથી, પરંતુ તે મર્યાદિત માત્રામાં મધ્યસ્થી ચેનલોથી ચાલુ રહેશે.
ઘટતી આયાતની ભરપાઈ કરવા માટે ભારતીય રિફાઇનરીઓ હવે પશ્ચિમ એશિયા, પશ્ચિમ આફ્રિકા, લેટિન અમેરિકા અને ઉત્તરી અમેરિકામાંથી વધુ તેલ ખરીદવાની તૈયારી કરી રહી છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ ઉપભોક્તા દેશ છે અને તેની જરૂરિયાતોનો લગભગ 88% આયાત કરે છે.

