Rajkot તા.4
રાજકોટમાં વ્યાજખોરો બેફામ બન્યાં હોય તેમ શ્રમિક યુવક પાસેથી 10 ટકા વ્યાજ વસૂલી લાખો રૂપિયા પડાવી વધું રૂપીયા કઢાવવા પઠાણી ઉઘરાણી કરી ઘરે જઈ ધમકી આપતા યુવાને ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે થોરાળા પોલીસે ત્રણેય વ્યાજખોર સામે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે નવા થોરાળામાં રામનગર સોસાયટી માર્ગ નં.4 પર રહેતાં ઇન્દ્રજીત ઉર્ફે ઈન્દુ મહેન્દ્રભાઇ ટીટીયા (ઉ.વ 37) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જેકી ઠક્કર, સંજય વ્યાસ અને હાર્દિક છગન મોલિયાનું નામ આપતાં થોરાળા પોલીસે મનીલેન્ડ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી. વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ છુટક મજુરીકામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે.
ત્રણ મહિના પહેલા તેઓને મકાનનો હપ્તો ભરવો હોવાથી રૂપિયાની જરૂર હોય જેથી વાત મળેલ કે, જેકીભાઈ ઠક્કર વ્યાજે રૂપિયા આપે છે, જેથી તેઓ તેના મિત્ર મહેશભાઈ પાદરીયા સાથે આ જેકી ઠક્કરની ઓફીસ જે હુડકો પોલીસ ચોકી સામે કોઠારીયા રોડ પર આવેલ આશાપુરા એન્ટરપ્રાઇઝ પર ગયેલ હતા. ત્યારે આ જેકીભાઈને વાત કરેલ કે, મારે મકાનના હપ્તા ભરવા સારૂ પચાસ હજાર રૂપિયાની જરૂર છે, જેથી જેકીએ કહેલ કે, પચાસ હજારનું દર દસ દિવસે રૂ.3 હજાર વ્યાજ થશે તેવી વાત કરેલ હતી.
ફરીયાદીને રૂપિયાની ખાસ જરૂર હોય જેથી હા પાડેલ હતી. જેકીએ તેમને રોકડા પચાસ હજાર રૂપિયા આપેલ હતા. તેઓ ટાઇમ સર વ્યાજના રૂપિયા દર દશ દિવસે 3 હજાર રોકડા ઓફીસે જઈને આપી દેતો હતો. એકાદ મહિના પહેલા તેઓને વધારે રૂપિયાની જરૂર પડતા જેકી પાસેથી દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધેલ ત્યારે જેકીએ કહેલ કે, આ દોઢ લાખ અને આગળના પચાસ હજાર મળી કુલ બે લાખ રૂપિયા થયેલ છે. જેથી તારે દર પંદર દિવસે વ્યાજના રૂ. 10 હજાર આપવા પડશે.
ફરીયાદીએ આજ સુધી કટકે-કટકે આ જેકીને ત્રણ લાખ રૂપિયા આપી દિધેલ છે, છતા જેકી ફોન પર તથા રૂબરૂ કહે છે કે, હજી તમારે રૂ. 3.40 લાખ આપવાના બાકી છે, તે ક્યારે આપીસ અને નહી આપે તો સારા વાટ નહી રહે તેવી ધમકી આપે છે. તેમજ જેકીના માણસો જેમાં સંજય વ્યાસ અવારનવાર ઘરે આવી તથા ફોનમાં રૂપિયાની પઠાણી ઉઘરાણી કરે છે.
તેમજ હાર્દિક મોલીયા ફોન ઉપર ગાળો આપવા લાગેલ અને કહેલ કે, તને ઉપાડી લેતા મારે વાર નહી લાગે તેવી ધમકીઓ આપેલ અને તારે રૂપિયા તો આપવા જ પડશે અને રૂપિયા નહી આપે તો સારાવાટ નહી રહે તેમ કહી મ ગાળા ગાળી કરી ફોનમાં ધમકીઓ આપતા હતા. વ્યાજખોર જેકી તથા તેના માણસોએ વ્યાજે આપેલ રૂપિયા આપી દીધા છતા પણ આ લોકો અવારનવાર વ્યાજની પઠાણી ઉઘરાણી કરે છે. તેમજ અવાર-નવાર ફોનમાં તથા ઘરે આવી વ્યાજ આપી દેવા ધમકાવી માનસિક ત્રાસ આપ્યા કરે છે.
અમારે પાસે સગવડ થશે ત્યારે તમોને રૂપિયા આપી દેશું તેવું કહી સમજાવવા છતા સમજતા નથી અને વધુ હેરાન પરેશાન કરી ત્રાસ આપતા હોય જેથી તેઓના ત્રાસથી કંટાળી જઈને ફરીયાદીએ ઘરે ગઇ તા.02 ના સાંજના સાડા ચારેક વાગ્યે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેઓને તુરંત સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.

