Atkot તા.4
ગોંડલના વોરા કોટડા ગામે રહેતા વૃધ્ધ વીરનગર આંખની હોસ્પિટલે ગયા બાદ પરત ફરતા સમયે રિક્ષામાં બેસતા રિક્ષામાં મુસાફર તરીકે બેઠેલા શખ્સોએ ઉલટીના બહાને વૃધ્ધના હાથમાંથી ચાંદીનું કડલુ સેરવી લીધુ હતું.
બાદમાં વૃધ્ધને આટકોટ પાસે ઉતારી દીધા હતાં. ત્યાર બાદ વૃધ્ધને આ ટોકળીએ કડલુ સેરવી લીધાની જાણ થતા તેમણે આ અંગે આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી રીક્ષા ગેંગને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે ગોંડલના વોરાકોટડા ગામે રહેતા અને માલઢોરના વ્યવસાય કરનાર હમીરભાઇ ભલાભાઇ ગોલતર(ઉ.વ 65) નામના વૃધ્ધે આટકોટ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઇકાલે સવારે તેઓ વોર કોટડાથી વીરનગર આંખની હોસ્પિટલે આંખ બતાવવા માટે ગયા હતાં. બાદમાં સાંજના પાંચેક વાગ્યા આસપાસ તેઓ નિદાન કરાવી ઘરે જવા માટે નીકળ્યા હતાં. વીરનગર બસ સ્ટેન્ડ પાસે રીક્ષાચાલકે ભાડુ વધારે કેહતા તેઓ પગપાળા આટકોટ આવતા હતાં.
દરમિયાન રસ્તામાં એક રીક્ષાવાળાએ રીક્ષા ઉભી રાખી હતી જેમાં ચાર માણસો બેઠા હતાં. વૃધ્ધને કહ્યું હતું કે રીક્ષામાં બેસી જાવ તેથી તેમણે ભાડુ પુછતા કહ્યું હતું કે, તમારૂ ભાડુુ નથી જોતું જેથી વૃધ્ધ રીક્ષામાં બેસી ગયા હતાં.
રીક્ષામાં આગળ બેઠેલા બે શખસો વૃધ્ધ સાથે વાતો કરવા લાગ્યા હતાં. જયારે પાછળ બેઠેલા બે શખસો પૈકી એક ઉલટી કરવા લાગ્યો હતો.બાદમાં આટકોટ ગોંડલ ચોકડી પાસે વૃધ્ધને ઉતારી દીધા હતાં.
તેઓ નીચે ઉતરી જોતા તેમણે હાથમાં પહેરલુ ચાંદીનું કડલું કિં.રૂ. 5 હજાર હાથમાં ન હોવાનું માલુમ પડયું હતું. જેથી રીક્ષામાં સવાર ગેંગે તેમના હાથમાંથી ચાંદીનું કડલું સેરવી લીધુ હોવાનું માલુમ પડયું હતું જેથી તેમણે આ અંગે આટકોટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આ રીક્ષા ગેંગને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

