Ahmedabad, તા. 4
દેશભરમાં ચાલી રહેલા ક્રિકેટ સહિતના સટ્ટા તેમજ ગેમ્બલીંગ ગેરકાનુની પ્રવૃતિઓમાં એન્ફોર્સમેન્ટ વિભાગે એક મોટી કાર્યવાહીમાં અમદાવાદમાં 300 જેટલા બેંક ખાતાઓ કે જે આ પ્રકારની બેટીંગ સહિતની ગુનાહિત કામગીરીમાં સંડોવાયેલા હતા તેમાં રૂા.1000 કરોડથી વધુના વ્યવહારો શોધી કાઢીને હાલ રૂા.35.80 કરોડની બેલેન્સ ધરાવતા ખાતાઓ સીલ કરી દીધા છે,
આ સંદર્ભમાં હવે વ્યાપક તપાસ શરૂ કરવામાં આવી છે. ઇડીના જણાવ્યા મુજબ કુલ 448 જેટલા બેંક ખાતાઓ બોગસ અને અન્ય લોકોના દસ્તાવેજોના આધારે બેન્કોમાં ખોલવામાં આવ્યા હતા અને તેમાં બેટીંગ સહિતના રૂા. 1000 કરોડના વ્યવહારો થયા હતા.
આ અંગે તા.29 ઓકટોબરના મેળવેલા એટેચમેન્ટ ઓર્ડર બાદ જીતેન્દ્રભાઇ તેજાભાઇ હિરાગર અને અન્ય સામે કેસ દાખલ કરીને હાલ આ બેન્ક ખાતાઓ એટેચ કરવામાં આવ્યા છે. કુલ 995 જેટલા બેંક ખાતાઓની તપાસ કરવામાં આવી હતી.
કેન્દ્રીય એજન્સીએ આ અંગે અમદાવાદ સીટી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ફરીયાદ નોંધાવીને આ કાર્યવાહી કરતા સટ્ટાખોરોમાં જબરો ફફડાટ વ્યાપી ગયો છે. સાયબર ક્રાઇમમાં આ ખાતાનો ઉપયોગ થયો છે કે કેમ તે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
જોકે મુખ્યત્વે ક્રિકેટ સહિતની સટ્ટાબાજી અને ઓનલાઇન ગેમ્બલીંગમાં આ વ્યવહારો થવાનું બહાર આવ્યું છે જેમાં અમદાવાદ પોલીસ સમક્ષ પ્રિવેન્સન ઓફ મની લોન્ડ્રીંગ એકટ 2002 કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
તેમાં ધરપકડનો દોર શરૂ કરાય તેવી ધારણા છે. આ સટ્ટાનો વ્યાપ રાજયભરમાં હોવાનું પણ બહાર આવ્યું છે અને તેના કારણે રાજયમાં અનેક ભાગમાં પણ દરોડા શરૂ કરે તેવી ધારણા છે.

