Jam Khambhaliya, તા.4
રાજ્યના વિશાળ દરિયાકિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. જે અંતર્ગત મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો અને તેના અધિકારીઓ કાર્યરત છે. જેનો હેતુ દરિયાઈ તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારમાં કટોકટીની સ્થિતિને પહોંચી વળવાનો તેમજ દરિયાકિનારાના વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. આ સંજોગોમાં દરિયાકિનારાના ગામોમાં રહેતા લોકો પણ દરિયાકાંઠાની સુરક્ષાથી માહિતગાર હોવા જરૂરી છે.
આ બાબત ધ્યાને લઇને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા વિસ્તારના દરિયાકિનારાના રહેવાસી તથા ભારત દેશના એક જવાબદાર નાગરીક તરીકે સતત જાગૃત રહેવા નીચેની વિગતે સમજ આપવામાં આવી હતી. જેમાં એ.ટી.એસ.ના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા, મરીન ટાસ્ક ફોર્સના પોલીસ મહાનિરીક્ષક પી.એલ. માલ તથા હજીરાના પોલીસ અધિક્ષક સુશ્રી એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ અહીંના ડીવાયએસપી કે.પી. પારેખ અને પી.એસ.આઈ. બી.એચ. ચાવડા દ્વારા તાજેતરમાં બેટ દ્વારકા અને ત્યારબાદ બરડીયા ગામ ખાતે સરપંચ, ઉપસરપંચ, તલાટી કમ મંત્રી તેમજ અન્ય ગ્રામજનોની ઉપસ્થિતિમાં દરીયાઈ માર્ગે સંભવિત વિવિધ આતંકવાદી પ્રવૃતિઓ અટકાવવા, શંકાસ્પદ બોટ કે વ્યક્તિ સંદર્ભે જાગૃતતા કેળવવા, શંકાસ્પદ બિનવારસી વસ્તુઓ જેવી કે, વિવિધ પ્રકારના કેફી પદાર્થો તથા એક્સપ્લોઝિવ (બોમ્બ) ની હેરાફેરી અટકાવવા બાબતે ગ્રામજનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

