Jamnagar તા.4
જામનગર-રાજકોટ હાઇવે પર ફલ્લા ગામના પાટિયા પાસે વધુ એક હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. ફલ્લા નજીક બાઇક પર રસ્તો ઓળંગી રહેલા 60 વર્ષિય વૃધ્ધને સ્કોર્પિયો કારના ચાલકે ઠોકર મારતાં વૃધ્ધનું ગંભીર ઇજા થવાથી મોત નિપજ્યું છે. બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પોલીસે મોત અંગેની નોંધ કરી નાશી ગયેલા કારચાલકને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
પંચકોષી બી ડિવિઝન પોલીસ મથકેથી અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગત એવી છે કે, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતા પ્રભાતભાઈ રવાભાઇ બાલસરા (ઉ.વ.60) નામના વૃધ્ધ ગઇકાલે સવારે દશેક વાગ્યાના અરસામાં પોતાનું મોટરસાયકલ લઈને જામનગર-રાજકોટ હાઇવે રોડ પર ફલ્લા ગામના પાટીયા પાસે વડવાળા હોટેલ પાસેથી પસાર થઈ રહ્યા હતા, અને રસ્તો ક્રોસ કરી રહ્યા હતા.
દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જીજે-25-બીએમ-6040 નંબરની સ્કોર્પીઓ કારના ચાલકે પ્રભાતભાઇના બાઈકને ઠોકરે ચડાવી હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક પ્રભાતભાઈ બાલસરા નીચે પટકાયા હતાં અને તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર કારગત ન નિવડતાં પ્રભાતભાઇએ હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ ખેંચ્યાં હતાં.
અકસ્માતના આ બનાવ અંગે મૃતકના પુત્ર સુરેશ પ્રભાતભાઈ બાલાસરાએ જામનગરના પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસ કાફલો જી.જી.હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. પોલીસે મૃત્તદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરેશભાઇની ફરિયાદના આધારે પોલીસસે જીજે-25-બીએમ-6040 નંબરની સ્કોર્પીઓ કારના ચાલક સામે બીએનએસની કલમ 281, 106 તથા એમ.વી.એક્ટની કલમ 177, 184 મુજબ ગુન્હો નોંધી કારના ચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

