Surendranagar,તા.04
સાયલા તાલુકાના સુદામડા ગામમાં એક અત્યંત હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં નદીમાં ડૂબી જવાથી એક ચાર વર્ષીય માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. રમતા-રમતા બાળકી નદીમાં પડી ગઈ હોવાનું પ્રાથમિક તારણ છે. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુદામડા ગામમાં રહેતા ધુડાભાઈ રૂદાતલાની આશરે 4 વર્ષીય પુત્રી રીંકુબેન સોમવારે નદી પાસે રમી રહી હતી અને ત્યાંથી ગુમ થતાં પરિવાર સ્થાનિક પોલીસને જાણ કરી હતી અને બાળકીની શોધખોળ ચાલી રહી હતી. ત્યારે ભારે શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બાળકીના મૃતદેહને પીએમ અર્થે સુદામડા હોસ્પિટલ ખાતે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકી રમતાં રમતાં નદી ખાબકી ગઇ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વ્હાલસોયી દીકરીના અકાળે અવસાનથી ધુડાભાઇના પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને સમગ્ર ગામમાં ગમગીની વ્યાપી ગઈ છે.

