Amreli,તા.5
તાજેતરમાં ગુજરાત રાજયમાં મંત્રી મંડળનાં વિસ્તરણ બાદ અનેક જિલ્લામાં કયાંક ખુશી તો કયાંય નારાજગી ભાજપ પક્ષમાં જ જોવા મળી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના ભાજપનાં દિગ્ગજ નેતા દીલીપ સંઘાણીએ એકાએક સોશ્યલ મીડીયામાં દીકરીના નિહાપા લાગ્યા તેવી પોસ્ટ મુકયાનાં કલાકો બાદ કોંગ્રેસનાં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પણ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ જગતનાં તાતને જીવવા દેજો તેવુ ટવીટ્ કરતા ગુજરાતના રાજકિયક્ષેત્રે ગરમાવો આવ્યો છે. બંને નેતાઓની પોસ્ટ ટવીટથી રાજકારણમાં ચર્ચા જામી છે.
દીકરીના નિહાપા લાગ્યા
અમરેલી ભાજપના વરિષ્ઠ રાજકીય નેતા અને ઇક્કો ચેરમેન દિલીપભાઇ સંઘાણી દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટથી ભારે ચકચાર મચી જવા પામેલ છે.
આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, દિકરીના નિહાપા લાગ્યા, જેના કારણે જિલ્લાના રાજકીય અને સામાજિક વર્ગોમાં અનેક અટકળો ફેલાઈ છે.
આ પોસ્ટમાં કઈ દિકરી અને કંઈ બાબતના નિહાપા લાગ્યા તે સ્પષ્ટ કરેલું નથી, જેના કારણે લોકો વિવિધ અનુમાન લગાવી રહ્યા છે. સ્થાનિક લોકો અને રાજ્યના રાજકીય વિશ્લેષકો એમ માને છે કે, સંઘાણીના નિવેદન પાછળ કોઈ ખાસ રાજકીય સંદર્ભ અથવા સામાજિક મુદ્દો હોઈ શકે છે. તેમ છતાં, પોસ્ટમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ ન હોવાને અમરેલી જિલ્લાનું રાજકારણ ગરમાયું છે.
દિલીપ સંઘાણી અમરેલીના જાણીતા ભાજપના નેતા છે. અને તેમના રાજકીય અને સામાજિક પગલાં લોકો માટે ખુબ મહત્વ ધરાવે છે તેમની આ પોસ્ટ પછી સોશિયલ મીડિયા પર કમેન્ટ અને શેરિંગમાં ઝડપથી વધારો થયો છે. અનેક લોકો તેમની આ પોસ્ટને રાજકીય સંકેત તરીકે લઈ રહ્યા છે, જ્યારે કેટલાક લોકો સામાજિક મુદ્દાઓ સાથે જોડાણ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જાહેર અને લોક ચર્ચાઓ વચ્ચે દિલીપ સંઘાણીની આ પોસ્ટ માટે કોઈ સ્પષ્ટતા માટે કોઈ નિવેદન હજુ સુધી સામે આવ્યું નથી. રાજકીય વર્ગ અને સ્થાનિક લોકો હવે જોવામાં રસ ધરાવે છે કે, આ પોસ્ટ પછી વરિષ્ઠ નેતાનું સ્ટેન્ડ શું રહેશે અને કઈ દિશામાં વાત આગળ વધે છે.
આ બનાવ બાદ અમરેલીમાં તેમજ રાજ્યના રાજકારણમાં ભારે ચર્ચા ઉઠી છે. સોશ્યલ મીડિયા પર સંઘાણીની પોસ્ટને લઇને વિશ્લેષણ અને અટકળો સતત વધ્યા છે, અને લોકો આ મુદ્દે આગામી દિવસોમાં વધુ સ્પષ્ટતા માટે રાહ જોઈ રહ્યા છે.
જગતના તાતને જીવવા દેજો
તાજેતરમાં અમરેલી જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકશાન થતાં ખેડૂતોની વેદનાને વાચા આપવા મેદાનમાં આવેલા વિધાનસભાના પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ “જગતના તાતને જીવવા દેજો” ના શીર્ષક તળે ધાનાણીનું ટ્વીટ કરતાં સનસનાટી મચી જવા પામેલ છે.
પરેશ ધાનાણીએ ટ્વીટમાં જણાવ્યું છે કે, ખેતીવાડી ખાતાની સલાહ, કૃષિ તજજ્ઞના અભિપ્રાય તેમજ ખેડૂતોની કોઠાસૂઝથી કાઢેલા પ્રાથમિક અંદાજો મુજબ ખરીફની મોસમ દરમિયાન વાવેતર કરેલી કપાસની વિધા દીઠ ઓછામાં ઓછો અંદાજીત ઉત્પાદન ખર્ચ રૂપિયા 18370 તથા પ્રાથમિક ઉતારાના અંદાજો મુજબ વિધા દીઠ સરેરાશ 20 મણ ઉપજની ટેકાના ભાવે કિંમત 31640 ગણાય છે.
આમ કમોસમી માવઠાની મોકાણથી ખેડૂતોને સરેરાશ કુલ અંદાજીત 50,010 જેટલું પાક નુકશાન થયું હોવાનો અંદાજ છે. ત્યારે પરેશ ધાનાણીએ સવાલ કરેલ છે કે, હવે તમે કહો કે ખેડૂતોને વિધા દીઠ નુકસાનીનું અધિકારીક વળતર મળવું જોઈએ કે પછી માત્ર રૂપિયા 8000 સહાયની સરકારી ભીખ મળવી જોઈએ ? ખેતી માટે થતાં ખર્ચનું લિસ્ટ મૂકીને ધાનાણીનું ખેતી બચાવવા કર્યું ટ્વીટ કરતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઈટાલીયાને આડે હાથ લેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, પરસેવો પાડીને રોટલો ખાનારો આ ખેડૂત છે, કોઈની ભીખનો મોહતાજ નથી. હું તો કેદુનો કહું છું કે આપ ને બાપ બેય એક બાપના સંતાન છે. ભાઈ ગોપાલ, વિસાવદરમાં ખેડૂતોએ તને ખંભે બેસાડી સામા પાણીએ તને ચૂંટીને મોકલ્યો હતો. અને હવે અમારા વિધે 50 હજાર ધોવાયા છે.
અને તું વિધે 8 હજાર માં સોદો કરી નાખે છે ? પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આખા ગુજરાતના ખેડૂતોનું 8 હજારમાં સોદો કરવાનું ષડયંત્ર રચાણું છે કે, શું તેવો સવાલ કરતા જણાવ્યું હતું કે, ભાઈ ગોપાલ, ખબરદાર તમારે વેચાવું હોય તો વેચાવ તમારા પેકેજ ભલે નક્કી થઈ ગયા હોય, અમારું પેકેજ અમારો ખેડૂત નક્કી કરશે. તે તો દાદાના ખોળે બારોબાર ઉઘાડા પગે મુજરો કરવાનું વચન આપી ગુજરાતના ખેડૂતોને 8 હજારમાં ગીરવે મૂકવાનું ષડયંત્ર રચ્યું છે તેઓ ગંભીર આક્ષેપ કર્યાં હતો.

