Rajkot. તા.05
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં તે માટે શહેર પોલીસે ઓપરેશન મીડનાઇટ હાથ ધર્યું છે. જેમાં દિવાળી પર્વ અને તે બાદ થયેલ હત્યા, ફાયરિંગ સહિતના ગંભીર પ્રકારના બનાવો બાદ પોલીસે સતત શહેરભરમાં ચેકિંગ અને કોમ્બિંગ હાથ ધર્યું છે.
જેમાં સ્થાનિક પોલીસની સાથે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગારવાની રાહબરિમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને સાયબર ક્રાઇમની ટીમે પણ ચેકિંગમાં ઝંપલાવ્યું છે. તેની અસર પણ હાલ જોવા મળી રહી છે રાતે 11 ના ટકોરે ન્યુસન્સ ફેલાવતા સ્થળો બંધ થવા લાગ્યા છે અને સુરક્ષાનું માહોલ ઉભો થયો હોય તેવું પણ સામે આવી રહ્યું છે.
સતત પાંચમા દિવસે પણ યથાવત રહેલ પોલીસની કાર્યવાહઆ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા પણ મેદાનમાં ઉતર્યા હતાં. સાંજ સમાચાર સાથેની વાતચીતમાં ડીસીપીએ જણાવ્યું હતું કે, પોલીસની કાર્યવાહીથી લોકોમાં ફેરફાર આવી રહ્યો છે અને ખાસ યુવાધન મોડે સુધી ફરી પોતે ક્રાઇમનો ભોગ ન બને કે પોતે ક્રાઈમ ન આચરે તે માટે પણ આ ડ્રાઈવ ખાસ અસરકારક બની રહેશે અને આવતાં સમયમાં પણ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, સાયબર ક્રાઈમ પોલીસ અને સ્થાનીક પોલીસની આ કાર્યવાહી અવિરત ચાલું જ રહેશે.
ઘણાં ચા ના થડા અને પાનના ગલ્લા ધરાવતાં વેપારીઓ પોલીસને જોઈ લાઈટ બંધ કરી દુકાન બંધ હોય તેવું ચિત્ર ઊભું કરે છે અને બાદમાં પોલીસ નીકળી ગયાં બાદ તેઓ ફરીથી તે પોઇન્ટ ખોલી નાંખે છે, પરંતુ આ કાર્યવાહીથી શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો ચોક્કસ આવશે.
ઉલ્લેખનીય છે કે, પોલીસ દરેક ન્યુસન્સ પોઇન્ટ પર મોડી રાત સુધી બેસી રહેતાં લોકોને ચેક કરે છે અને હથીયાર કે નશીલો પદાર્થ નીકળે તો કાર્યવાહી પણ કરે છે. સામાન્ય લોકોને પોલીસ દ્વારા હેરાનગતિ કરવામાં ન આવતી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

