ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે વર્લ્ડ કપની જીતને યાદગાર બનાવવા માટે પોતાના બાવળા પર ટેટૂં કરાવ્યું
New Delhi, તા.૫
હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય મહિલા ટીમે આખરે પોતાની વર્ષોની તપસ્યાનું પરિણામ હાંસલ કરી લીધું છે. આઈસીસીની વર્લ્ડ કપ ટ્રોફી ઉઠાવવાની ઈચ્છા પૂર્ણ થઈ છે, ચેમ્પિયન બન્યા અગાઉ પણ ટીમ બે વખત ફાઈનલ સુધી પહોંચી હતી પરંતુ ટ્રોફી હાથમાં આવી નહોતી.
જોકે, આ વખતે ટીમે જે પ્રકારનો જુસ્સો સેમીફાઈનલથી બતાવ્યો હતો તે ફાઈનલ સુધી જળવાઈ રહ્યો અને આખરે ટ્રોફી ટીમના હાથમાં આવી છે. ક્રિકેટની દુનિયાને ૨૫ વર્ષ પછી એક નવી ચેમ્પિયન ટીમ મળી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપ જીત્યા બાદ ઘણી ઉત્સાહમાં દેખાઈ રહી છે. આવામાં મહિલા ટીમની કેપ્ટન કૂલથી જાણીતી હરમનપ્રીત કૌરે એક એવું કામ કરાવી લીધું છે કે વર્લ્ડ કપની ટ્રોફી કાયમ તેની સાથે રહેશે અને તે કહે છે કે આ ટ્રોફીને તે રોજ સવારે ઉઠીને જોઈ પણ શકશે. હરમનપ્રીત કૌરે ફાઈનલ સહિત આખી ટુર્નામેન્ટ દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી.
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે વર્લ્ડ કપની જીતને યાદગાર બનાવવા માટે પોતાના બાવળા પર ટેટૂં કરાવ્યું છે. જેમાં તેણે વર્લ્ડ કપ દોરાવ્યો છે કે જે કાયમ તેની સાથે રહે અને તે દરરોજ સવારે જોઈ શકે. ભારતે મહિલા વર્લ્ડ કપની નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં સાઉથ આફ્રિકાને ૫૨ રનથી હરાવીને ઇતિહાસ રચી દીધો છે. કેપ્ટન હરમનપ્રીત કૌરે જે ટેટૂં બનાવડાવ્યું છે તેની તસવીર પણ શેર કરી છે.
હરમન પ્રીત કૌરે આજે પોતે બનાવેલા ટેટૂની તસવીર શેર કરી છે, કેપ્ટને તેના ડાબા હાથમાં વર્લ્ડ કપનું ટેટૂ બનાવડાવ્યું છે અને તેને ઈફેક્ટ્સ પણ આપવામાં આવી છે. આ ટેટૂની નીચે ૨૦૨૫ પણ લખવામાં આવ્યું છે. હરમનપ્રીત કૌરે આ ટેટૂની તસવીર શેર કરવાની સાથે એક મેસેજ પણ લખ્યો છે. નોંધનીય છે કે, તેણે ઈન્સ્ટાગ્રામ પર ટેટૂની તસવીર શેર કરી તે પહેલા સ્ટેટસમાં પણ તેનો ઉલ્લેખ કર્યો હતો.
હરમનપ્રીત કૌરે આ ટેટૂ સાથે પોતાની તસવીર શેર કરી છે તેમાં એક મેસેજ લખ્યો છે, જેમાં હરમન લખે છે કે, કાયમ માટે આ મારી ચામડી અને હૃદયમાં કંડારી દેવામાં આવ્યું છે, તારા માટે (વર્લ્ડ કપ માટે) હું પહેલા દિવસથી રાહ જોઈ રહી હતી, હવે હું તને દરરોજ સવારે જોઈ શકીશ અને તેના પ્રત્યે આભારી રહીશ.
હરમનપ્રીત કૌરે વર્લ્ડ કપ ૨૦૨૫માં ૯ મેચ રમી છે, જેમાં તેણે ૮ ઈનિંગ્સ રમવા મળી હતી. આ ૮ ઈનિંગ્સમાં તેણે ૩૨.૫૦ની એવરેજથી ૨૬૦ રન બનાવ્યા છે, જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ ૮૯.૦૪નો રહ્યો છે. હરમને વર્લ્ડ કપમાં ૩૦ ચોગ્ગા અને ૨ છગ્ગા લગાવ્યા છે. તેનો આ વર્લ્ડ કપમાં સૌથી શ્રેષ્ઠ સ્કોર (૮૯ રન, ૮૮ બોલ) વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામે બનાવ્યો હતો.

